- કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસ નેતા બિમલ શાહની હાજરીમાં જોડાયા
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ખેડા જિલ્લાના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી છે. માતર વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં અમિત ચાવડાની ઉપસ્થિતિમાં તેમણે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
કોંગ્રેસમાં જોડાયા બાદ કેસરીસિંહે ભાજપ સરકાર અને તેની કાર્યશૈલી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પક્ષમાં ચાલતી ખોટી નીતિઓ અને અન્યાય સામે અવાજ ઉઠાવવાને કારણે તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યાં હતા. કેસરીસિંહે સ્પષ્ટ કર્યું કે તેઓ હંમેશા સત્ય માટે લડ્યાં છે અને ભાજપની ગેરરીતિઓ હવે જનતાની સામે ખુલ્લી પડી ગઈ છે.
કેસરીસિંહ સોલંકીનો કોંગ્રેસમાં પ્રવેશ આગામી ચૂંટણીઓમાં નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. ક્ષત્રિય ઠાકોર સમાજમાં કેસરીસિંહ મોટું વર્ચસ્વ ધરાવે છે, જેનો સીધો લાભ કોંગ્રેસને મળી શકે છે. ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં તેમનું મજબૂત સમર્થન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. તેમણે મતદારોને અપીલ કરી છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કેસરીસિંહ સોલંકીનું પક્ષાંતર ખેડા જિલ્લામાં સત્તાના સમીકરણો બદલી શકે છે. ભાજપ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ આ નવા જોડાણથી ઉત્સાહમાં જોવા મળી રહી છે.