ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ક્રિકેટરનું નિધન, આવું હતું કરિયર - Gujarat Post

11:01 AM Aug 16, 2025 | gujaratpost

સિડનીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. પૂર્વ કેપ્ટન બોબ સિમ્પસનનું 16 ઓગસ્ટ રોજ સિડનીમાં અવસાન થયું હતું. સિમ્પસન 89 વર્ષના હતા. ખેલાડી, કેપ્ટન અને કોચ ત્રણેય ભૂમિકાઓમાં સિમ્પસનનું યોગદાન શાનદાર રહ્યું હતું. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થાય છે, જેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને વર્લ્ડ ક્લાસ ટીમ બનાવી હતી, બોબ સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે 62 ટેસ્ટ મેચોમાં 46.81ની સરેરાશથી 4869 રન બનાવ્યાં હતા.જેમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે.

સિમ્પસને વર્ષ 1964માં માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 311 રનની ઇનિંગ્સ રમી હતી. આ એશિઝના ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ ઇનિંગ્સમાંથી એક માનવામાં આવે છે. સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે બે વન-ડે મેચ પણ રમી હતી. જેમાં તેમણે 36 રન બનાવ્યાં હતા. તેઓ શાનદાર સ્લિપ ફિલ્ડર અને ઉપયોગી લેગ સ્પિનર પણ હતા. સિમ્પસને ટેસ્ટમાં 71 અને વન-ડેમાં 2 વિકેટ ઝડપી હતી.

બોબ સિમ્પસને 1968માં નિવૃત્તિ લીધી હતી, પરંતુ કેરી પેકર વર્લ્ડ સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમને સંભાળવા માટે ફરીથી મેદાનમાં પાછા ફર્યા અને ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી. સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચ ડિસેમ્બર 1957માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ જોહાનિસબર્ગમાં રમી હતી. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ એપ્રિલ 1978માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ કિંગ્સ્ટનમાં રમી હતી. જે તેમના આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી મેચ પણ હતી.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ બોબ સિમ્પસને કોચિંગને પોતાનું કરિયર બનાવ્યું હતું. 1986માં ઓસ્ટ્રેલિયન ટીમના હેડ કોચનો પદ સંભાળ્યા બાદ બોબ સિમ્પસને યુવા ટીમમાં નવી તાકાત ભરી દીધી હતી. કેપ્ટન એલન બોર્ડર અને કોચ સિમ્પસનની જોડીએ કમાલ કરી અને 1987માં ઓસ્ટ્રેલિયન ટીમે વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. પછી 1989માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ સિરીઝ જીતી, સાથે જ 1995માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ તેની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી. તેમના કોચિંગ હેઠળ જ સ્ટીવ વો, શેન વોર્ન અને ગ્લેન મેકગ્રા જેવા ક્રિકેટરો નિખરીને સામે આવ્યા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++