પ્રેમ, વિશ્વાસઘાત અને હત્યાનું ખતરનાક ષડયંત્ર, પ્રેમિકાએ એક પ્રેમી સાથે મળીને બીજા પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું

07:44 PM May 29, 2026 | gujaratpost

અંકલેશ્વરઃ પ્રેમ પ્રકરણમાં સનસનીખેજ હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુના બોરભાઠા ગામ પાસેના ખેતરમાંથી એક રિક્ષા ચાલકનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને મૃતકની પ્રેમિકા અને તેના હાલના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. 

મુકેશ, જેને કાંતિલાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રાજકોટનો વતની છે, હાલમાં અંકલેશ્વરના જુના બોરભાઠા ગામમાં રહે છે, તે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કેળાની ગાડી ચલાવે છે. એક દિવસે સવારે મુકેશ, હંમેશની જેમ તેની પત્ની અને બાળકોને ગાડી પર છોડીને રિક્ષા લઇને ગયો હતો. 

બપોરે 12 વાગ્યા પછી તેનો મોબાઇલ ફોન બંધ થઈ ગયો, અને જ્યારે તે સાંજ સુધી ઘરે પાછો ન ફર્યો, ત્યારે તેના પરિવારે શોધખોળ શરૂ કરી. સાંજે મુકેશનો મૃતદેહ બોરભાઠા રોડ પર બુલેટ ટ્રેન બ્રિજ પાસેના ખેતરમાંથી મળી આવ્યો હતો. મૃતકનો સફેદ શર્ટ લોહીથી લથપથ હતો, અને તેના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની રિક્ષા પણ ઘટના સ્થળથી થોડે દૂર હતી. 

પોલીસે જણાવ્યું કે તેમને એક લાશ મળી હોવાનો રિપોર્ટ મળ્યો હતો અને તપાસ કરતાં તે મુકેશ ભાઈનો હોવાનું બહાર આવ્યું હતું. તેના પત્ની ભારતીબેને પોલીસને જણાવ્યું કે તેમના પતિને છેલ્લા 8 વર્ષથી તલવિયાવાડ વિસ્તારમાં રહેતી તેમના પિતરાઈ ભાઈની વિધવા જ્યોતિ રાઠોડ સાથે અનૈતિક સંબંધો હતા. તેના કારણે પરિવારમાં ઝઘડા પણ થતા હતા. 

પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે જ્યોતિ રાઠોડ અને તેના હાલના બોયફ્રેન્ડ સંજય વસાવાએ મુકેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંને પ્રેમીઓ સાથે રહેવા માંગતા હતા, તેથી મુકેશ નામના કાંટાને દૂર કરવો જરૂરી હતો. જેના કારણે આ હત્યા કરી નાખી હતી. અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બંને આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં વપરાયેલા હથિયાર સહિત પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.