નડીયાદઃ ગુજરાતમાં ભાજપના નેતા બની ગયા એટલે લોકોને ડરાવા-ધમકાવાનો પરવાનો મળી ગયો છે તેમ માનવામાં આવે છે. અનેક વખત ભાજપના નેતાઓ લોકોને, અધિકારીઓને ડરાવતા ધમકાવતા હોવાના સમાચાર સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મહુધાના બારૈયાની મુવાડીમાં રહેતા યુવકે તા.20 ડિસેમ્બરે ખાત્રજ ચોકડીથી ડાકોર વચ્ચે એક પલટી ગયેલી કારમાં દારૂની બોટલો હોવાથી વીડિયો ઉતાર્યો હતો. બીજા દિવસે એક શખ્સે તેને ફોન કરી પોતે આણંદ જિલ્લા ભાજપનો મહામંત્રી હોવાનું જણાવી ધમકી આપી હતી. આ અંગે યુવકે મહુધા પોલીસ મથકે અરજી કરી હતી. પરંતુ ત્યાં શખ્સ સાથે સમાધાન કરવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુવકે જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી.
બારૈયાની મુવાડીમાં રહેતા સંજયભાઈ પર્વતભાઈ સોઢાએ જિલ્લા પોલીસ વડાને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, તા.20 ડિસેમ્બરે તે ખાત્રજ ચોકડીથી ડાકોર જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે એક કાર પલટી મારી ગઈ હતી. જેમાં દારૂની બોટલો હતી અને તેમાં બેઠેલો એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં હતો. તે સમયે યુવકે વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. તેમજ કારમાં સવાર એક યુવતીની મદદ કરી હતી.
બીજા દિવસે યુવતીના મિત્રએ યુવકને ફોન કરી જણાવ્યું હતું કે, જો તું આ વીડિયો વાયરલ કરીશ તો હું તને પરેશાન કરી નાખીશ અને મારા મિત્રને જો કાંઈ થશે તો હું આણંદ જિલ્લાનો ભાજપનો મહામંત્રી છું, તારી પાછળ પડી જઈશ તેવી ધમકી આપી હતી. આ અંગે યુવકે મહુધા પોલીસ મથકે અરજી કરી હતી. ત્યાંથી સામાવાળા સાથે બેસી સમાધાન કરવા દબાણ કરવામાં આવ્યું હોવાના અને જો સમાધાન નહીં કરો તો તમારી વિરૂદ્ધ પણ એફઆઈઆર નોંધી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે સંજય સોઢાએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++