અમરેલી: દીકરીના જન્મનો દાખલો કઢાવી આપવા રૂ. 5000 ની લાંચની માગણી કરી હતી. રકઝકને અંતે રૂ. 4000 સ્વીકારતા બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક અને ઇન્ચાર્જ સબ-રજિસ્ટ્રારને અમરેલી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની રકમ રિકવર કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, આ કામના ફરિયાદી તેમના મિત્રની દીકરીના જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે બાબરા નગરપાલિકાની કચેરીએ ગયા હતા. ત્યાં જન્મ-મરણ વિભાગનો ચાર્જ સંભાળતા જુનિયર ક્લાર્ક નનુભાઇ મામૈયાભાઇ ગમારા (ઉં.વ. 54, રહે. ધારપરા વિસ્તાર, ભીમબાપુના ગઢ પાસે, બાબરા, જી. અમરેલી) એ આ દાખલો કાઢી આપવાની અવેજીમાં રૂ. 5000 ની લાંચની માંગણી કરી હતી. જો કે, રકઝકના અંતે રૂ. 4000 આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે તાત્કાલિક અમરેલી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને નનુભાઇ ગમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે બાબરા બાયપાસ પાસે આવેલી ઠાકરધણી હોટલ ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આયોજન મુજબ, ફરિયાદી જ્યારે હોટલ પર લાંચની રકમ આપવા પહોંચ્યાં હતા, ત્યારે આરોપી નનુભાઇ ગમારાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ. 4000ની લાંચ સ્વીકારી હતી. નાણાં સ્વીકારતાની સાથે જ આસપાસ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે આરોપીને રંગે હાથ દબોચી લીધો હતો.
ટ્રેપીંગ અધિકારી: ટી.એસ.રીઝવી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, અમરેલી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપરવિઝન અધિકારી: એસ.એન.બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર એકમ, ભાવનગર.
ઇન્ચાર્જ અધિકારી: જે.ડી.મેવાડા, ઇન્ચાર્જ નાયબ નિયામક, એ.સી.બી.રાજકોટ એકમ.