- વતન જવા નીકળેલા યુવક પર ત્રાટકી સિંહણ
અમરેલી: જિલ્લાના રાજુલા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. કોવાયા ગામ નજીક એક સિંહણે માનવ શિકાર કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે, છેલ્લા માત્ર 5 જ દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના છે, જેમાં વધુ એક નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગઈ છે.
આ ભયાનક ઘટના કોવાયા ગામ નજીક આવેલા TPP પાવર પ્લાન્ટની સામે ઘટી હતી. અહીં આવેલી એક સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતો અને મૂળ ઉત્તરાખંડનો વતની પ્રકાશ ચંદ્ર નામનો યુવક મોડી રાત્રે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો.
દરમિયાન અંધારામાં એક સિંહણે તેના પર અચાનક હિંસક હુમલો કર્યો હતો. સિંહણ યુવકને ઢસડીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધો હતો. ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વનવિભાગ અને પોલીસને ઘટનાસ્થળેથી મૃતક યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યાં હતા.
ઘટનાની ગંભીરતાને જોતાં વનવિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. સીમ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતાં વનવિભાગને ત્યાં 4 સિંહોના એક આખા ગ્રુપની હાજરી હોવાની વિગતો મળી હતી.
માનવ હુમલાની ઘટના બાદ વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમાંથી એક સિંહને સફળતાપૂર્વક ટ્રાન્ક્વિલાઈઝ કરીને પાંજરે પૂર્યો છે. બાકીના સિંહોને પકડવા માટે પણ વ્યાપક રેસ્કયૂ ઓપરેશન શરૂ કરાયું છે. શ્રમિકો અને ગ્રામજનોને સિંહોની અવરજવર વાળા વિસ્તારમાં વનવિભાગની જાણ હેઠળ જ જવા અપીલ કરવામાં આવી હતી.
રાજુલા-જાફરાબાદના સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ સિંહોના વધી રહેલા માનવ હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મામલે સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરતાં જણાવ્યું કે, વિસ્તારમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વનવિભાગમાં પૂરતો સ્ટાફ હોવો અનિવાર્ય છે.તાત્કાલિક ધોરણે સ્ટાફની સંખ્યા વધારવામાં આવે જેથી વન્યજીવોનું યોગ્ય મોનિટરિંગ થઈ શકે અને આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
હાલમાં કોવાયા અને આસપાસના સીમ વિસ્તારના શ્રમિકો અને ગ્રામજનો ભારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને વનવિભાગ તમામ હિંસક સિંહોને વહેલી તકે પાંજરે પૂરે તેવી માંગ કરી રહ્યાં છે.