અમરેલી: દલખાણીયા રેન્જમાં 6 મહિનાના સિંહ બાળનો મૃતદેહ મળ્યો

07:50 PM Jun 26, 2026 | gujaratpost

અમરેલીઃ ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી દલખાણીયા રેન્જમાંથી એક સિંહબાળનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. દલખાણીયા ગામ નજીક રેવન્યું વિસ્તારમાંથી આ આશરે 6થી 7 મહિનાના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લીધો હતો, ધારી ગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ  વિકાસ યાદવે સિંહબાળના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, સિંહના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ સ્પષ્ટ થશે.

વન વિભાગની ટીમ ઘટના સ્થળે ઘણી મોડી પહોંચી હોવાના આક્ષેપો સ્થાનિક સ્તરે થઈ રહ્યાં છે. દલખાણીયા રેન્જના આરએફઓ પણ ઘટનાના કલાકો પછી પહોંચતા વન વિભાગના સિનિયર અધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી. આ સાથે જ દલખાણીયા રેન્જમાં વન કર્મચારીઓ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવતું નથી તેવી ચર્ચાઓ છે. ફરી એકવાર સિંહનું શંકાસ્પદ મોત થતા દલખાણીયા રેન્જ વન વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

અગાઉ પણ ગીર પશ્ચિમ ડિવિઝનની બાબરીયા રેન્જ અને ગીર પૂર્વની જસાધાર રેન્જમાં થઈને કુલ 8 થી વધુ સિંહોના મોત નીપજ્યાં હતા. તે સમયે સિંહોમાં બેબેસિયા અને સીવીડી વાયરસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતા દિલ્હી સુધી પહોંચી હતી.