અમદાવાદમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે
અમદાવાદઃ કાગડાપીઠમાંથી નીતિન પટણી નામના યુવકનું અપહરણ કરીને મેઘાણીનગરના ચમનપુરામાં હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓ દ્વારા નીતિન પટણી પર ધારીયા સહિતના તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે 7 આરોપીઓ સામે FIR નોંધી છે, તેમાંથી 3 ની ધરપકડ કરી છે, 4 ફરાર આરોપીઓને પકડવા માટે 5 ટીમો બનાવવામાં આવી છે. રસ્તાની વચ્ચે માર માર્યા બાદ નીતિન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.
નીતિન પટણીની હત્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 7 થી 8 લોકો રસ્તાની વચ્ચે તેને માર મારી રહ્યાં છે. દરેકના હાથમાં તીક્ષ્ણ હથિયાર છે. નીતિન મારપીટ દરમિયાન રસ્તા પર પડી જાય છે, કેટલાક લોકોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
સફલ-3 માં કામ કરતા નીતિન પટણીનું શુક્રવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસને અપહરણ અંગે જાણ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નીતિન પટણીનું અપહરણ કરીને મેઘાણીનગર લઈ જવામાં આવ્યો હતો. અપહરણકારોએ નીતિન પટણીને રસ્તા પર ખરાબ રીતે માર માર્યો હતો અને તીક્ષ્ણ હથિયારથી અનેક વાર હુમલો કર્યો હતો.
નીતિનનું સારવાર દરમિયાન મોત થયું
બાદમાં નીતિનનું સારવાર દરમિયાન મોત થઇ ગયું, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી નીતિનની હત્યામાં સંડોવાયેલા વિજય, શૈલેષ ગૌતમ, પૂનમ પટણીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા બે લોકો અપહરણમાં સામેલ હતા. હાલમાં, ચાર ફરાર લોકોની શોધ ચાલુ છે. ફરાર આરોપીઓના નામ સતીશ, વિશાલ, મહેશ અને રાજ છે.
19 ઓગસ્ટના રોજ મેઘાણીનગરમાં નીતિન અને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો. નીતિને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ જ કારણસર નીતિનનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો અને તીક્ષ્ણ હથિયારથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેનું મોત થયું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++