અમદાવાદઃ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પીડિત 65 પરિવારોએ ન્યાય માટે યુએસ ફેડરલ કોર્ટમાં અરજી થઇ છે. ભારત અને યુકેના આ પરિવારોએ અમેરિકાની લો ફર્મ 'બસ્લી એલન'ના વકીલ માઈક એન્ડ્રુઝની નિમણૂંક કરી છે. માઈક એન્ડ્રુઝે આજે અમદાવાદના મેઘાણીનગર ખાતેના દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ દુર્ઘટના બાદ પ્રથમ વખત કોઈ કાનૂની નિષ્ણાતે સ્થળની મુલાકાત લીધી હતી.
દુર્ઘટનાના કારણો અને જવાબદારી નક્કી કરવામાં મદદ મળી શકે તે માટે માઈક એન્ડ્રુઝે ઘટના સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.તેમણે જણાવ્યું કે પીડિત પરિવારો પાસે યુએસ કોર્ટમાં 'પ્રોડક્ટ લાયબિલિટી'નો દાવો કરવાનો વિકલ્પ છે, જે તપાસના તારણો પર આધારિત હશે. ઉપરાંત ઘટનાનો રિપોર્ટ તૈયાર કરી શકાય તે માટે પ્લેન ક્રેશમાં એકમાત્ર બચી ગયેલા મુસાફરની પણ મુલાકાત લેવામાં આવશે.
તેમણે નિષ્ણાતો વિગતવાર વિશ્લેષણ કરી શકે તે માટે કેન્દ્ર સરકારને ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઈસ રેકોર્ડરનો ડેટા જાહેર કરવા વિનંતી કરી છે. એન્ડ્રુઝે જણાવ્યું કે તેઓ હાલમાં 65 પરિવારો વતી કેસ લડી રહ્યાં છે અને જો બોઈંગ કંપની જવાબદાર હશે, તો તેની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. અમેરિકાની કાયદાકીય વ્યવસ્થામાં બોઈંગ જેવી મોટી કંપની સામે પણ ન્યાય મેળવવાની ક્ષમતા છે.
તેમણે કહ્યું, દુર્ઘટનામા પાઇલટની ભૂલ નથી પરંતુ બોઇંગ કંપનીના એન્જિનમાં ખામી હતી.ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે બોઇંગ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો પ્લેનના બ્લેક બોક્સનો ડેટા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂને એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમા સવાર 241 મુસાફરો સહિત કુલ 270 લોકોના મોત થયા હતા.
