અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી કથળી, દરેક PI માટે રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત - Gujarat Post

09:17 PM Apr 04, 2025 | gujaratpost

અમદાવાદઃ શહેરમાં વધતી ગુનાખોરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે, ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયા છે. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે. દરમિયાન પીઆઈએ પોતાનાં વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોનું ચેકિંગ સહિતની કામગીરી કરવી પડશે. ઉપરાંત પીઆઇથી જેસીપી સુધીના અધિકારીઓએ રોજ દિવસે 12થી 2 વાગ્યા દરમિયાન અરજદારોને સાંભાળવા પડશે.  

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશનર/સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર/મદદનીશ પોલીસ કમિશનરે દરરોજ બપોરે 12થી 2 વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહીને તેમની રજૂઆત સાંભળવાની રહેશે. મુલાકાતી પોતાની રજૂઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પો.સ.ઇ./અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજુઆત સાંભળવાની રહેશે.

પોલીસ ઈન્સ્પેક્ટરે દરરોજ સાંજે 6થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, ગુન્હેગારોનું ચેકીંગ, નાસતા ફરતા આરોપીઓનું ચેકીંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકીંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળીને વિસ્તારમાં કરવાની રહેશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++