(ફાઇલ ફોટો)
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વિભાગમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે, હવે અમદાવાદની આસરવા સિવિલ હોસ્પિટલમાં મસમોટો ગોટાળો સામે આવ્યો છે. ઓર્થો ઇમ્પ્લાન્ટમાં ખરીદીની લઇને મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે, પીએમ-જેએવાય, યોજના હેઠળ દર્દીઓના ઓર્થોપેડિક ઓપરેશનમાં વપરાતા ઇમ્પ્લાન્ટ અને બીજા સાધનોની ખરીદીમાં મસમોટું કૌભાંડ કરી નાખવામાં આવ્યું છે.
પરિપત્ર મુજબ સરકારમાં જો 1 લાખ રૂપિયા કરતા વધુની ખરીદી હોય તો GeM પોર્ટલ પર કે ઇ-ટેન્ડરિંગથી ખરીદી જરૂરી છે
અધિકારીઓ એક જ વ્યક્તિને ફાયદો કરાવવા કરી રહ્યાં છે ગોટાળા
આસરવા સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ 2021 થી એપ્રિલ 2025 વચ્ચેના ગાળામાં પાંચ કંપનીઓ પાસેથી અંદાજે 8 કરોડ રૂપિયાની વસ્તુઓની ખરીદી કરાઇ છે, જેમાં સામે આવ્યું છે કે મોટા ભાગની કંપનીઓ એક જ વ્યક્તિની છે અને માત્ર ઓફલાઇન ટેન્ડરને આધારે અધિકારીઓની મિલિભગતથી એક શખ્સને ફાયદો કરાવાયો છે. નિયમ મુજબ GeM પોર્ટલ પરથી કે અન્ય ઇ-ટેન્ડરિંગથી ખરીદી કરવાની હોય છે, તેની જગ્યાએ મિલિભગત કરીને સરકારને નુકસાન કરાવવામાં આવ્યું છે.
આ કંપનીઓ પાસેથી કરાઇ છે રૂ. 8 કરોડથી વધુની ખરીદી
ગુજરાત ઓર્થો સ્પાઇન કેર
આર એ સર્જિકલ
ક્રિસ્ટ એન્ટરપ્રાઇઝ
ઓર્થો ફિક્સ ઇમ્પ્લાન્ટ
ક્રિસ્ટ મેડિટેક પ્રા.લિ
ઉપરોક્ત પાંચ કંપનીઓ પાસેથી 8 કરોડ રૂપિયાથી વધુની ખરીદી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે અને તે પણ ઓફલાઇન ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા કરીને આ ખરીદી કરવામાં આવી છે, જેથી આ કંપનીઓ જેટલી સરકારી હોસ્પિટલોમાં સપ્લાય કરે છે તે તમામ હોસ્પિટલોની અને કંપનીઓના હિસાબોની પણ તપાસ થવી જોઇએ.
આ કૌભાંડમાં જવાબદારો સામે કાર્યવાહી કરો
અમદાવાદ આસરવા સિવિલ હોસ્પિટલના સ્ટોર ઓફિસર, પ્રોક્યોરમેન્ટ ઓફિસર અને ખરીદીને મંજૂરી આપતી ટીમના તમામ અધિકારીઓની મિલિભગત વગર આ કૌભાંડ શક્ય નથી, જેથી સરકારી તિજોરીને નુકસાન કરનારા આ તમામ તત્વો સામે કાર્યવાહી જરૂરી છે.