+

અમદાવાદના નિકોલમાં નશામાં ધૂત યુવકે હંગામો મચાવ્યો, લોકોએ મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો

(યુવકની તસવીર) અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકે જાહેરમાં રોડ પર ભારે હંગામો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. શરૂઆતમાં આ યુવક પર એક યુવત

(યુવકની તસવીર)

અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકે જાહેરમાં રોડ પર ભારે હંગામો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. શરૂઆતમાં આ યુવક પર એક યુવતીની છેડતી કરવાનો આક્ષેપ થયો હતો, જેને પગલે સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા હતા.

મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલ નજીકથી એક યુવતી અને અન્ય કેટલાક લોકો બાઈક પર પસાર થઈ રહ્યાં હતા. તે સમયે દારૂના નશામાં ધૂત યુવક ત્યાંથી ચાલતો જઈ રહ્યો હતો અને તે આ બાઈક સાથે અથડાયો હતો. આ અકસ્માત બાદ યુવકે યુવતીની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.

ઉશ્કેરાયેલા સ્થાનિકોએ આ યુવકને ઘટના સ્થળે જ પકડી પાડ્યો હતો અને જાહેરમાં તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યાર બાદ લોકોએ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં પણ લોકો આ યુવકને પકડીને પાઠ ભણાવતા દ્રશ્યમાન થાય છે.

આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે જણાવ્યું કે, વાયરલ વીડિયોને આધારે પોલીસે યુવક સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનામાં છેડતીનો કોઈ બનાવ બન્યો નથી. યુવતી અને અન્ય લોકો બાઈક પર જતા હતા ત્યારે પીધેલી હાલતમાં ચાલતા જતા આ સ્થાનિક યુવકનો માત્ર ધક્કો વાગ્યો હતો. સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈને યુવકને જે માર માર્યો છે, તે બાબતે પણ પોલીસે અરજી લીધી છે અને કાયદેસરના જરૂરી અટકાયતી પગલાં ભર્યા છે.

facebook twitter