- બંગાળની ખાડીમાં ડિપ્રેશન, રેડ અલેર્ટ જાહેર
- હિમાચલમાં વાદળ ફાટતાં 7 ગામો સંપર્કવિહોણા
- આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, વડાપ્રધાને મેળવી માહિતી
- ગુજરાતમાં પણ ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં
નવી દિલ્હીઃ દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લામાં વાદળ ફાટવાથી એક પુલ અને રસ્તો ધોવાઈ ગયા છે, જેના કારણે અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 68 લોકોના મોત થઈ ચૂક્યા છે. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમથી લઈને પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં અત્યંત ભારે વરસાદનું અલેર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી પર સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આગામી 24 કલાક દરમિયાન તે વધુ મજબૂત થઈને ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારાઓને પાર કરે તેવી સંભાવના છે. તેની અસ હેઠળ 29 જુલાઈ સુધી સુંદરગઢ, ક્યોંઝર અને મયૂરભંજ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા રેડ અલેર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ખૂબ જ નાજુક બનેલી છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. સોનોવાલ પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે હાલ રાજ્યના પ્રવાસે છે.
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લાની મયાડ ઘાટીના ધાંધલ નાળા વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. આ ઘટનાને કારણે પહાડી નાળામાં અચાનક પૂર આવ્યું હતું, જેમાં એક પુલ અને રસ્તો તણાઈ ગયા હતા. વાદળ ફાટવાના કારણે મયાડ ઘાટીના સાત ગામોનો સંપર્ક પૂર્ણપણે તૂટી ગયો છે.