- સચિન વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના
- સગીરે જ સગીરાને હવસનો શિકાર બનાવી
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મધ્યપ્રદેશથી ભાગીને સુરતમાં દોઢ મહિનાથી આશ્રય લઈ રહેલી 14 વર્ષીય કિશોરી પ્રેમજાળમાં ફસાઈ જતાં તેની સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષના સગીરે માસૂમ કિશોરીને પોતાની ચુંગાલમાં ફસાવી બે દિવસમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશનો પરિવાર જ્યાં રહેતો હતો, ત્યાંથી તેમની 14 વર્ષની સગીર દીકરી અન્ય એક વ્યક્તિના સંપર્કમાં આવ્યાં બાદ પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી ભાગ્યા બાદ સગીરા છેલ્લા દોઢથી બે મહિનાથી સુરતના સચિન વિસ્તારમાં આવીને આશ્રય લઈ રહી હતી.
સચિન વિસ્તારમાં આશ્રય મેળવ્યાં બાદ ભોગ બનનાર કિશોરીનો પરિચય 16 વર્ષના એક કિશોર સાથે થયો હતો. કિશોરે સગીરાની મજબૂરી અને અજાણ્યા શહેરનો લાભ ઉઠાવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. સંપર્ક ગાઢ બન્યા બાદ 16 વર્ષના સગીરે 15 અને 16 જુલાઈના રોજ સગીરા પર અલગ-અલગ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ સગીરા નાસીપાસ થઈ ગઈ હતી અને સમગ્ર આપવીતી પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કરી હતી.
ઘટનાની ગંભીરતાને પગલે સગીરાના પિતા સુરત પહોંચ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, દીકરી ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હોવાથી તેમણે મધ્યપ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ અગાઉથી જ નોંધાવી દીધી હતી. મધ્યપ્રદેશ પોલીસ પણ આ કિશોરીની શોધખોળ કરી રહી હતી.
બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદના આધારે સચિન પોલીસે 16 વર્ષના સગીર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.