+

સુરતમાં B.Com ની વિદ્યાર્થિનીનો આપઘાત, કાનના ઓપરેશનનો ડર કે સાયબર બ્લેકમેલિંગ ?

માતાના ફોન બાદ આ ઘટના પ્રકાશમાં આવી ફેક આઈડી બનાવીને તેના પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી હતી સુરત: પાલ વિસ્તારમાં આવેલી એસએમસી આવાસમાં રહેતી અને એસ.ડી. જૈન કોલેજમાં B.Com ના બીજા વર્ષમ

  • માતાના ફોન બાદ આ ઘટના પ્રકાશમાં આવી
  • ફેક આઈડી બનાવીને તેના પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી હતી

સુરત: પાલ વિસ્તારમાં આવેલી એસએમસી આવાસમાં રહેતી અને એસ.ડી. જૈન કોલેજમાં B.Com ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી કાજલ યાદવે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાનના ઓપરેશનના ડરથી આ પગલું ભર્યું હોવાનું દાવો કરાયો હતો, પરંતુ પરિવારજનોએ વોટ્સએપ પર બ્લેકમેલિંગ અને ધમકી મળતી હોવાનો ગંભીર આક્ષેપ કરતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે.

મૂળ ઝારખંડના ગીરડીહ જિલ્લાના કપીલો ગામની વતની કાજલ રામલખન યાદવ (ઉં.વ. 20૦) હાલ પાલ સ્થિત બાગબાન સર્કલ પાસે આવેલા સુમન મુદ્રા એસએમસી આવાસમાં પોતાના કાકાના પરિવાર સાથે રહેતી હતી. ગત રાત્રે વતનમાં રહેતી કાજલની માતાનો ફોન તેના પિતરાઈ ભાઈ દિવાકર પર આવ્યો હતો. દિવાકર કાજલને ફોન આપવા માટે તેના રૂમમાં ગયો ત્યારે કાજલ સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.પરિવારે તાત્કાલિક 108 ને જાણ કરી હતી, પરંતુ  તેને સ્થળ પર જ મૃત જાહેર કરી હતી.

ઘટના અંગે પાલ પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કાજલને કાનમાં તકલીફ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ચેક કરાવ્યું હતુ. જ્યાં ડોક્ટરે તેના કાનના પડદાનું ઓપરેશન કરવાનું કહ્યું હતું. તેથી ઓપરેશનના ડર અને માનસિક તણાવમાં આવીને તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી.

બીજી તરફ મૃતક કાજલના કાકા મહાવીર યાદવે આત્મહત્યા પાછળ સાયબર બ્લેકમેલિંગ જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, તેમના પુત્ર દિવાકરના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી કેટલાક સ્ક્રીનશોટ આવ્યા હતા. અજાણ્યા શખ્સે કાજલનો નંબર અને ફેક આઈડી બનાવી તેના પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી હતી.

વિનંતી કરવા છતાં ધમકી આપનારે કહ્યું કે, મને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે, હું તેને ભણવા પણ નહીં દઉં. કાજલ પછી તેના ભાઈનો નંબર લીક કરી નાખીશ. પાલ પોલીસે યુવતીનો મોબાઈલ ફોન કબ્જે લીધો છે અને પરિવારના આક્ષેપો બાદ વોટ્સએપ ચેટ તેમજ સ્ક્રીનશોટના આધારે સાયબર સેલની મદદથી તપાસ આગળ ધપાવી છે. પોલીસે જણાવ્યું છે કે પરિવારના વિગતવાર નિવેદન નોંધવામાં આવશે અને ફોરેન્સિક તપાસ બાદ જ આત્મહત્યાનું સાચું કારણ સ્પષ્ટ થશે.

facebook twitter