અમદાવાદઃ ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બોરીસણા ગામના 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી 7 દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ લગાવી દેવામાં આવ્યા હતા. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાંના થોડા જ કલાકમાં મૃત્યું પામ્યા હતા, જ્યારે અન્ય પાંચ દર્દીઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. આ દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમને કોઇ જ ગંભીર સમસ્યા નહીં હોવાનો સ્વજનોનો દાવો હતો. મંગળવારે દિવસભર આ ઘટના સોશિયલ મીડિયામાં ટોપ ટ્રેન્ડમાં હતી.
આ દરમિયાન એક નવો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ અપાયો હતો. હોસ્પિટલના સંચાલકો સાથે આરોગ્ય મંત્રીની નિકટતા છે. એવોર્ડ સમારોહમાં આરોગ્ય મંત્રીની સાથે ભાજપના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત હતા, જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
એવું પણ જાણવા મળ્યું છે કે બિલ્ડર કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના મૂળ માલિક છે. કન્સ્ટ્રકશનની સાથે તેઓ શૈક્ષણિક સંસ્થા સાથે પણ સંકળાયેલાં છે. પલોડીયામાં પણ કાર્તિક પટેલ ખ્યાતિ કોલેજ કેમ્પસ ધરાવે છે. અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે એક યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/