અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: સુપ્રીમ કોર્ટનો ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ - Gujarat Post

07:09 PM Feb 11, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ ગયા વર્ષે અમદાવાદમાં બનેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટમાં 260 લોકોએ જીવ ગુમાવ્યાં હતા, તે મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ  સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલયા બાગચીની બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી.

કેન્દ્ર સરકારે આગામી ત્રણ અઠવાડિયામાં તપાસનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા અત્યાર સુધી શું પ્રગતિ થઈ છે તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર તપાસ અને અહેવાલ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના નિયમો અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ હોવો જોઈએ.

આ અહેવાલ 'સીલ કવર' માં એફિડેવિટ સાથે જમા કરાવવાનો આદેશ અપાયો છે. આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનાર પાઈલટ સુમીત સભરવાલના પિતાએ અરજી દાખલ કરી. તેમની દલીલ છે કે, AAIB દ્વારા તૈયાર કરવામાં આવેલો પ્રાથમિક રિપોર્ટ શંકાસ્પદ છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર પક્ષે ખાતરી આપી છે કે તપાસ અંતિમ તબક્કામાં છે અને તે તમામ નિયમોને આધીન છે. આ મામલે હવે પછીની સુનાવણી 3 અઠવાડિયા બાદ થશે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોગ્રેસ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવશે.

અમદાવાદમાં ગત વર્ષે બનેલી વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકોમાંથી 241નાં મોત થયા હતા. કુલ મૃત્યુઆંક 60 જાહેર થયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ માર્યા ગયા હતા.