ઇટાલીઃ બર્ગામો પ્રાંતમાં બૈશાખીની તૈયારીઓ દરમિયાન બનેલી એક દુ:ખદ ઘટનાએ ભારતીય સમૂદાયને આઘાત પહોંચાડ્યો છે. 17 એપ્રિલના રોજ રાત્રે 11:50 વાગ્યે કોવો શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં ગુરુદ્વારા માતા સાહિબ કૌર જીની બહાર બે ભારતીયોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ રાગીન્દર સિંહ (કોવો રહેવાસી) અને ગુરમીત સિંહ (અગ્નાડેલો રહેવાસી) તરીકે થઈ છે. હુમલાખોરે નજીકથી ગોળીબાર કર્યો હતો અને કારમાં ભાગી ગયો હતો. ઘટના સ્થળેથી લગભગ 10 ખાલી કારતૂસ મળી આવ્યાં હતા.
બે ભારતીયોને નિશાન બનાવવામાં આવ્યાં
બૈશાખી ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે બે વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવ્યાૂ હતા. હુમલાખોર અચાનક કારમાંથી બહાર નીકળ્યો અને ગોળીબાર કર્યો હતો. હુમલાખોર પણ એક ભારતીય હતો અને વારંવાર ગુરુદ્વારાની મુલાકાત લેતો હતો. ગોળીબારમાં ત્રીજા વ્યક્તિનો જીવ બચી ગયો, તેને કાન પાસે ગોળી વાગી હતી. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. ઇટાલિયન પોલીસે જણાવ્યું છે કે આ કોઈ આકસ્મિક ઘટના નથી લાગતી. હુમલો પૂર્વયોજિત કાવતરું હોઈ શકે છે. હુમલાખોર તેની કારમાંથી બહાર નીકળ્યો, નજીકથી અનેક ગોળીબાર કર્યો અને પછી તરત જ ભાગી ગયો.
વિદેશમાં ભારતીયોની સુરક્ષા અંગે પ્રશ્નો
ઇટાલીમાં રહેતા ભારતીયો અને શીખ સમૂદાયે આ ઘટનાની નિંદા કરી છે. બંને મૃતકો સ્થાનિક સમૂદાયના હતા. રાગીન્દર સિંહ કોવોમાં રહેતા હતા અને ગુરમીત સિંહ અગ્નાડેલોના રહેવાસી હતા. પોલીસે ફોરેન્સિક તપાસ તીવ્ર બનાવી છે અને સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે હુમલાખોરની શોધ કરી રહી છે. ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં રહેતા ભારતીયોની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે. વૈશાખીના પવિત્ર તહેવાર પર બનેલી આ ઘટનાએ ભારતીયોની સલામતી પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે.