નવી દિલ્હી: ભારત અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2025માં થયેલો મહત્વપૂર્ણ લોજિસ્ટિક સપોર્ટ કરાર સત્તાવાર રીતે અમલી બની ગયો છે. આ ઐતિહાસિક સમજૂતી હેઠળ હવે બંને દેશો એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે અને મર્યાદિત સંખ્યામાં સૈનિકો, નૌકાદળના જહાજો તથા વિમાનો તૈનાત કરી શકશે.
આ કરારનું પૂરું નામ ‘ઇન્ડો-રશિયન રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ’ (RELOS) છે. રશિયાના સત્તાવાર કાનૂની માહિતી પોર્ટલ દ્વારા શુક્રવારે આ અંગેની પુષ્ટિ કરવામાં આવી હતી. આ અગાઉ ડિસેમ્બર 2025માં રશિયન સંસદે આ સમજૂતીને મંજૂરી આપી દીધી હતી.
જે મુજબ બંને દેશો એકસાથે મહત્તમ 5 યુદ્ધજહાજ, 10 સૈન્ય વિમાન અને 3000 સૈનિકો એકબીજાના વિસ્તારમાં તૈનાત કરી શકશે. આ સુવિધા શરૂઆતમાં 5 વર્ષ માટે રહેશે, જેને પરસ્પર સંમતિથી વધુ 5 વર્ષ માટે લંબાવી શકાશે. રશિયન સંસદની આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના પ્રથમ ઉપાધ્યક્ષ વ્યાચેસ્લાવ નિકોનોવે સ્ટેટ ડુમામાં આ અંગેની માહિતી આપી હતી.
આ કરાર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. ભારતીય સૈન્ય પાસે મોટી સંખ્યામાં રશિયન મૂળના શસ્ત્રો અને સાધનો છે, જેમના સમારકામ અને જાળવણી માટે આ સમજૂતી ખૂબ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત, આ કરારથી ભારતને આર્કટિક ક્ષેત્ર સહિતના રશિયન નૌકાદળ અને હવાઈ મથકો સુધી પહોંચ મળશે.
RELOS સમજૂતી માત્ર સૈન્ય તૈનાતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં સાધન-સામગ્રીના સંચાલનનો પણ સમાવેશ થાય છે. જે મુજબ યુદ્ધજહાજો માટે બંદર અને સમારકામની સેવાઓ, પાણી, ખોરાક અને ટેકનિકલ સંસાધનોની સુવિધા મળશે. સૈન્ય વિમાનો માટે એર ટ્રાફિક કંટ્રોલ, ફ્લાઇટ રિક્વેસ્ટ પ્રોસેસિંગ, નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ અને પાર્કિંગ-સુરક્ષા જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
પશ્ચિમ એશિયાનો સંઘર્ષ અને યુક્રેન યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે આ કરાર ભારત અને રશિયાના દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવશે. આ સમજૂતીથી સંયુક્ત સૈન્ય અભ્યાસ, તાલીમ અને આપત્તિ રાહત જેવા માનવીય મિશનો પાર પાડવામાં પણ સરળતા રહેશે.