- આજે તમામ પક્ષો દ્વારા રેલી, જનસભાનું આયોજન
- પ્રચાર દરમિયાન ઘણા ઉમેદવારો લોકોના રોષનો ભોગ બની રહ્યા છે
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપના ઉમેદવારોને ઠેર-ઠેર જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન ભાજપના વધુ એક ઉમેદવારનો ઉગ્ર વિરોધ થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર મૌલિક પટેલ પોતાના કાર્યકર્તાઓ સાથે મત માંગવા નીકળ્યા હતા. પ્રચાર દરમિયાન એક સોસાયટીમાં પહોંચતા જ એક મહિલાએ તેમને રોકી દીધા હતા અને જાહેરમાં ઉધડો લીધો હતો. મહિલાએ રોડ-રસ્તાની ખરાબ હાલત અને ખાડાઓની સમસ્યા અંગે રોષ ઠાલવતા ઉમેદવારને મોઢામોઢ કહી દીધું હતું કે, જ્યારે ખાડા બાબતે 10 વખત રજૂઆત કરી ત્યારે તમે જોવા પણ આવ્યા નહોતા, અને હવે મત માંગવા માટે આવ્યા છો? મહિલાએ અત્યંત આકરા શબ્દોમાં ઉમેદવારને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા જણાવ્યું હતું કે, જેવા આવ્યા છો એવા જ અહીંયાથી નીકળી જાઓ.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ, જ્યારે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલવાનો પ્રયાસ કરે છે, ત્યારે મહિલા વધુ ઉગ્ર બની હતી. મહિલાએ કાર્યકર્તાઓ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમે પ્રચારમાં દારૂડિયાઓને લઈને આવો છો.
ઉપરાંત અમદાવાદના લાંભા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડનો પણ વિરોધ પ્રજા દ્વારા કરવામાં આવી રહ્યો છે. લાંભાના અલગ અલગ વિસ્તારોમાં અપક્ષ ઉમેદવાર 'કાળુભાઈ ભરવાડ અહિયાં વોટ માંગવા આવવું નહીં'એવા બેનર લગાવવામાં આવ્યા છે. અપક્ષના કોઈપણ ઉમેદવારે વોટ માંગવા આવવું નહીં એવા બેનર લગાવીને વિરોધ કર્યો છે. જ્યારે સોસાયટીમાં 'કાળુભાઈ ભરવાડ ભાજપના દલાલ બનીને પ્રજાના હિતના ચેડા કરવા મત માંગવા આવવું નહીં' એવા બેનર લગાવવામાં આવ્યા છે. લાંભા વોર્ડમાં અપક્ષના ઉમેદવાર કાળુભાઈ ભરવાડ નો ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે.
ચૂંટણી ટાણે જ જનતાનો આ પ્રકારનો મિજાજ જોઈને ભાજપના કાર્યકરો અને ઉમેદવારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ શહેરના અન્ય વિસ્તારોમાં ભાજપના નેતાઓને પ્રજાના પ્રશ્નોને લઈને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.