જામનગરઃ એસીબીની લાંચીયા લોકો સામે સતત કામગીરી ચાલી રહી છે. જામનગરમાં બે પોલીસ કર્મીઓને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા છે, આરોપી પોલીસ કર્મચારીઓની ઓળખ એએસઆઈ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજા તરીકે થઈ હતી.
ફરીયાદી વિરૂધ્ધ થયેલી અરજીની તપાસ યુવરાજસિંહ ગોહિલ કરી રહ્યા હતા અને પુષ્પરાજસિંહ જાડેજા તેની સાથે કામગીરી કરતા હતા. યુવરાજસિંહ ગોહિલે તેમને હેરાન ન થવું હોય અને લોકઅપમાં નહીં બેસાડી તાત્કાલીક મામલતદાર કચેરીમાં રજૂ કરી દેવાના અવેજ પેટે રૂ.10,000ની લાંચની માંગણી કરી હતી. તે રકમ પુષ્પરાજસિંહને આપી દેવાનું જણાવ્યું હતું.
પુષ્પરાજે ફરીયાદીને તા.19/05/2025ના રોજ અટક કરી મામલતદાર કચેરીમાં રજૂ કરતા પહેલા ફરીયાદી પાસેથી રૂ.10,000 માંગ્યા હતા ફરીયાદી પાસે જે તે વખતે આટલી રકમ ન હોવાથી પુષ્પરાજે ફરીયાદી પાસેથી રૂ.2,000 લઇ લીધેલ અને બાકીના રૂ.8,000 ફોન કરીએ આપી જવાનું જણાવ્યું હતું. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને ફરીયાદને આધારે ગોઠવેલા લાંચના છટકામાં આરોપી આવ્યાં હતા. યુવરાજસિંહ ગોહિલે લાંચની રકમ પુષ્પરાજસિંહ જાડેજાને આપી દેવાનું કહેતા પુષ્પરાજે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂ .8000 સ્વીકારી હતી. જેથી એસીબીએ બન્નેને રંગેહાથ ઝડપી લીધા હતા.
ટ્રેપિંગ અધિકારીઃ આર.એન.વિરાણી,
ફિલ્ડ પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી., રાજકોટ એકમ, રાજકોટ તથા સ્ટાફ.
સુપરવિઝન અધિકારીઃ કે.એચ.ગોહિલ,
ઈ.ચા. મદદનીશ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ
