અમદાવાદઃ ફરીયાદીએ પોતાના મકાન અને દુકાનના ઉપરના ભાગે પ્રથમ માળે પતરાની છત દુર કરી સ્લેબ ભરી પાકુ બાંધકામ કર્યું હતું. જે બાંધકામ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગર વિકાસ ખાતુ, પૂર્વ ઝોન તરફથી ફરીયાદીની માતાના નામે બાંધકામ બિન પરવાનગી હોવાથી બાંધકામ કેમ તોડી નહીં પાડવું તે બાબતે બે નોટીસો મળી હતી.
આ બાબતે શિલ્પાબેન વિજયભાઇ આહિર (પ્રજાજન), નવ જીવન ક્રાઇમ અધિકાર ન્યૂઝે ફરીયાદીનો સંપર્ક કરીને ફરીયાદીના ઘરના પ્રથમ માળનું નવું બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી નવું બાંધકામ નહીં તોડાવવા માટે એ.એમ.સી.ના અધિકારીઓના રૂ. 3,00,000 અને આક્ષેપિત શિલ્પાબેનના રૂ.25,000 એમ કુલ રૂ. 3,25,000 ની લાંચની માંગણી કરી હતી. જે પૈકી રૂ.10,000 શિલ્પાબેને ફરીયાદી પાસેથી લઇ લીધેલ અને બાકીના રૂ. 3,15,000 આપવાનો વાયદો કર્યો હતો.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી આણંદ એ.સી.બી.પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપી હતી. ફરીયાદીને આધારે આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું. શિલ્પાબેન અને તેમના પતિ વિજય આહીર (પ્રજાજન), નવ જીવન ક્રાઇમ અધિકાર ન્યુઝના કથિત બંન્ને પત્રકારો લાંચની રકમ સોનીની ચાલી ચાર રસ્તા જાહેર રોડ ઉપર આરોપીની વેગાનાર ગાડીમાં લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી : આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી: એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ
ઇન્ચાર્જ અધિકારી: ભારતી પંડયા, નાયબ નિયામક, એ.સી.બી, મુખ્ય મથક, અમદાવાદ