20 વર્ષ પહેલા આરોપીના પત્નીનું મોત થયું હતું
આરોપીને બીજી વખત લગ્ન કરવા હતા, જેનો પુત્ર-પુત્રવધુ વિરોધ કરતા હતા
રાજકોટઃ જિલ્લામાં 80 વર્ષના પિતાએ તેના 52 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરી નાખી છે. શરૂઆતમાં આ વિવાદ પ્રોપર્ટી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ પોલીસ તપાસમાં હત્યાનું કારણ પિતાના બીજી વખત લગ્ન કરવાની ઈચ્છા અને પુત્રનો વિરોધ હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને મામલાની તપાસ શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના રવિવારે સવારે જસદણમાં બની હતી. મૃતક પ્રતાપ બોરીચાના પત્ની જયાબેને ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે, તેમના સાસુનું 20 વર્ષ પહેલા મોત થયું હતું. જે બાદ સસરા રામભાઈ બોરીચા બીજા લગ્ન કરવા માંગતા હતા. જેનો તેઓ વિરોધ કરતા હતા. આ મુદ્દે અનેક વખત ઝઘડો થયો હતો. સસરાએ તેના પતિ અને તેને મારી નાંખવાની ધમકી આપી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ 1995માં મારા લગ્ન પ્રતાપ બોરીચા નામના મારા મામાના દીકરા સાથે થયા હતા. રવિવારના રોજ સવારના 10:00 વાગ્યાના અરસામાં હું તેમજ મારા પતિ પ્રતાપભાઈ અમારા ઘરે હતા. દીકરો બહાર દૂધ લેવા માટે ગયો હતો. ત્યારે હું મારા સસરા રામભાઈને ચા આપવા ગઈ હતી. ત્યાંથી હું અમારા ઘરમાં પરત ફરી રહી હતી ત્યારે બંદૂકના ફાયરિંગનો અવાજ આવ્યો હતો. તેમજ મારા પતિ પ્રતાપભાઈ હોય તેવો અવાજ આવતા હું મારા સસરાના રૂમના દરવાજે પહોંચતા દરવાજો બંધ હતો. બીજો ફાયરિંગનો અવાજ આવતા મેં હોલનો દરવાજો ખખડાવતા મારા સસરા દ્વારા હોલનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. તેમજ તેમના હાથમાં પિસ્તોલ જેવું હથિયાર હતું તે લઈ મારી પાછળ દોડતા હું ત્યાંથી ભાગી ગઈ હતી. તેમજ અમારા મકાનમાં જઈ બંનેના મકાન વચ્ચે આવેલો દરવાજો બંધ કરી દીધો હતો.
પોલીસે જણાવ્યું કે લગ્નને લઈ બાપ-દીકરા વચ્ચે લાંબા સમયથી વિવાદ હતો, આરોપીની પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++