અમદાવાદઃ સાયબર ક્રાઈમે ચાઈનીઝ ગેંગને બેંક ખાતાઓ આપતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમમાં 11 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી નકલી આધાર કાર્ડની મદદથી બેંક ખાતા ખોલાવતી હતી અને સાયબર છેતરપિંડી માટે બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવવામાં ચીની ગેંગને મદદ કરતી હતી.
સાયબર ક્રાઈમે 5 ફેબ્રુઆરીએ ચાંદખેડામાં એક ફ્લેટમાં દરોડા પાડીને 9 લોકોની ધરપકડ કરી છે. રાજસ્થાનમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસે 43 એટીએમ કાર્ડ, 21 બચેકબુક, 10 પાસબુક, 15 મોબાઈલ ફોન, 12 પાન કાર્ડ, 10 આધાર કાર્ડ, 1 પિસ્તોલ અને 7 કારતૂસ જપ્ત કર્યા છે. છેલ્લા 10 દિવસમાં જ આ ગુનેગારોના બેંક ખાતામાંથી રૂ. 4 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યાં છે.
21 રાજ્યોમાં 109 ફરિયાદો...
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે દેશના 21 રાજ્યોમાં આરોપીઓ સામે 109 પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બેંક ખાતાઓનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગુનેગારોના નામે 26 અલગ-અલગ બેંક ખાતા ખોલવામાં આવ્યાં હતા.
છેલ્લા 4 મહિનાથી આ બેંક ખાતાઓનો ઉપયોગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ટાસ્ક ફ્રોડ અને ટેલિગ્રામ ફ્રોડમાં થતો હતો. જેમાંથી મુખ્ય આરોપી અનિલ અને સુરેશ બિશ્નોઈ રાજસ્થાનમાં રહેતા તેમના મિત્રો, સંબંધીઓ અને ગ્રામજનોને ગુજરાત અને મહારાષ્ટ્ર લઈ આવતા હતા.
અમદાવાદમાં આવા લોકોને નોકરીએ રાખ્યાં, ભાડા કરાર કરાવ્યાં, આધાર કાર્ડનું સરનામું બદલાવી બેંક ખાતા ખોલાવી તેની વિગતો ચાઈનીઝ ગેંગને મોકલવામાં આવતી હતી. આ સમગ્ર મામલામાં ત્રણ માસ્ટર માઇન્ડ છે જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે અને બે સામે તપાસ ચાલુ છે.
ગેંગનો માસ્ટર માઇન્ડ કુલદીપ છે, તે અન્ય બે માસ્ટર માઇન્ડ અભિષેક અને સુનીલના સંપર્કમાં હતો. આ ત્રણેય એકબીજાની ગેંગ એટલે કે ચાઈનીઝ ગેંગના સંપર્કમાં હતા. 19 વર્ષનો સુરેશ અને 20 વર્ષનો અનિલ બિશ્નોઈ છેલ્લા ચાર મહિનાથી 20 હજાર રૂપિયાના કમિશન પર બેંક ખાતામાં સપ્લાય કરતા હતા.
તપાસ દરમિયાન મળી આવેલા હથિયારો અંગે પોલીસનું કહેવું છે કે રાકેશ અને ઉપમારામે આ હથિયારો મધ્યપ્રદેશથી 25 હજાર રૂપિયામાં ખરીદ્યા હતા. આ હથિયાર રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ જેપી નામના ગુનેગારને પહોંચાડવાનું હતું. આ પહેલા પણ ત્રણ વખત મધ્યપ્રદેશથી અમદાવાદ લાવીને જોધપુર પહોંચાડવામાં આવ્યા હતા.
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુરેશ બિશ્નોઈ, અનિલ બિશ્નોઈ, કૈલાશ બિશ્નોઈ, હુકારામ બિશ્નોઈ, મનીષ બિશ્નોઈ, વિકાસ બિશ્નોઈ, રાકેશ બિશ્નોઈ, મનકુલ બિશ્નોઈ, લલિત કુમાર અને કુલદીપનો સમાવેશ થાય છે. આ તમામના બેંક ખાતા કયા આધારે ખોલવામાં આવ્યાં તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++