મેક્સિકોઃ ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા વધી જ રહી છે, જે લોકોને વિઝા મળતા નથી તેઓ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરે છે. જેમાં ઘણી વખત ઝડપાઇ જાય છે. મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા 150 ગુજરાતીઓ ઝડપાયા છે. આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. ઝડપાયેલા મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના છે અને તમામે એજન્ટને તગડી રકમ ચૂકવી હોવાની શક્યતા છે.
150 ગુજરાતીઓ મેક્સિકોથી અમેરિકામાં ચાલતા જ ઘૂસી રહ્યાં હતા અને ઝડપાઇ ગયા હતા. એજન્ટે તેમના પાસપોર્ટ પર મેક્સિકોના ડુપ્લિકેટ સ્ટીકર મારીને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી દીધી હતી. સામાન્ય રીતે અમેરિકામાં ઘુસતા કોઈ વ્યક્તિ પકડાય તો તેઓ ભારતમાં કોઈ ખતરો હોવાનું બહાનું ધરતા તેમને અમેરિકાના કાયદા મુજબ આશ્રય આપવામાં આવે છે. પરંતુ આ લોકોના પાસપોર્ટ પર ખોટા સિક્કા હોવાનું સામે આવ્યું હતું આથી તેમને આશ્રય આપવાનું કારણ ફગાવી દેવામાં આવ્યું હતું. ઝડપાયેલા તમામ લોકોને હાલમાં તો અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યાં છે.
એજન્ટોનું નેટવર્ક ભારતમાં દિલ્હીમાં હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયેલા આ તમામ લોકોને ભારત ડિપોર્ટ કરાયાં બાદ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526