નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, MSME સહિત વિવિધ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. હવે આ બજેટને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, આજે રજૂ થયેલું બજેટ ઐતિહાસિક છે. આ બજેટથી યુવાનોની ઉડાન માટે આકાશ ખુલી ગયું છે. ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. આ બજેટથી ભારતની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત થશે. પીએમ મોદીએ ઉમેર્યું કે, આ બજેટ ભવિષ્યને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે અને તેનાથી નાના વેપારીઓને મોટો ફાયદો થશે. આ 'વિકસિત ભારત'ની ગતિને તેજ કરનારું બજેટ છે.
કેન્દ્રીય બજેટ 2026 પર પીએમ મોદીએ કહ્યું, આજનું બજેટ ઐતિહાસિક છે. તે દેશની નારી શક્તિના સશક્તિકરણને દર્શાવે છે. મહિલા નાણામંત્રી નિર્મલાજીએ સતત નવમી વખત બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ બજેટ અપાર તકોનું દ્વાર છે. તે આજની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં બદલે છે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત કરે છે. આ બજેટ 2047 સુધીમાં 'વિકસિત ભારત' તરફની આપણી ઉંચી ઉડાન માટે મજબૂત આધાર છે. મિત્રો, ભારત આજે સુધારાની જે ગતિએ ચાલી રહ્યું છે, તેને આ બજેટથી નવી ઉર્જા અને ગતિ મળશે."
મોદીએ વધુમાં જણાવ્યું, ભારતે 'મધર ઓફ ઓલ ડીલ્સ' પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે તેનો મહત્તમ લાભ ભારતના યુવાનો અને લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો સુધી પહોંચે. આ બજેટ 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ની પહેલને નવી ગતિ આપવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરે છે. બાયો-ફાર્મા શક્તિ મિશન, સેમીકન્ડક્ટર મિશન 2.0, ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ, રેર અર્થ કોરિડોરનું નિર્માણ, મહત્વપૂર્ણ ખનિજો પર ભાર, ટેક્સટાઇલ ક્ષેત્ર માટે નવી યોજનાઓ અને હાઇ-ટેક રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન જેવા ઉપાયો ભવિષ્યલક્ષી ડગલાં છે, જે દેશની વર્તમાન અને ભવિષ્ય બંનેની જરૂરિયાતો પૂરી કરે છે.
પીએમ મોદીએ અંતમાં કહ્યું,ભારતના 140 કરોડ લોકો માત્ર સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાથી સંતુષ્ટ નથી; આપણે વહેલી તકે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માંગીએ છીએ. આ બજેટ ભારતની હાલની 'રિફોર્મ એક્સપ્રેસ'ને નવી ઉર્જા આપશે. આ એક એવું અનોખું બજેટ છે જે રાજકોષીય ખાધ ઘટાડવા અને ફુગાવાને નિયંત્રણમાં લાવવા પર કેન્દ્રિત છે, અને સાથે જ તેમાં ઉચ્ચ મૂડી ખર્ચ અને ઉચ્ચ વિકાસનો અદભૂત સમન્વય છે."