કાઠમંડુથી ઈસ્તંબુલ જઈ રહેલા ટર્કિશ એરલાઈન્સના વિમાનનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ

05:52 PM Feb 05, 2026 | gujaratpost

  • તમામ 247 મુસાફરો સુરક્ષિત
  • જોખમ ટાળવા કોલકાતાની પસંદગી

કોલકાતા: કાઠમંડુથી ઈસ્તંબુલ જઈ રહેલા ટર્કિશ એરલાઈન્સના એક મોટા વિમાન (વાઈડબોડી એરક્રાફ્ટ) ને બુધવારે બપોરે ટેકનિકલ ખામીને કારણે અચાનક કોલકાતા તરફ વાળવું પડ્યું હતું. વિમાને નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી જ હતી કે તેના એક એન્જિનમાં ગંભીર ખામી હોવાનું જાણવા મળ્યું હતું. પાયલોટોની સમયસૂચકતા અને તત્પરતાને કારણે વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો અને ક્રૂ મેમ્બરના 11 સભ્યોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર THY-727 એ બપોરે 1:29 વાગ્યે કાઠમંડુથી ટેક-ઓફ કર્યું હતું. વિમાન આકાશમાં ઊંચાઈ પકડી રહ્યું હતું તે દરમિયાન જ પાયલોટોને સંકેત મળ્યો કે વિમાનના બેમાંથી એક એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પાયલોટોએ તાત્કાલિક કાઠમંડુ ATCને જાણ કરી અને સ્થિતિનું આકલન કરવા માટે ધાડિંગ જિલ્લાના ધરકે વિસ્તાર પર વિમાનને થોડા સમય માટે 'હોલ્ડ' પર રાખ્યું હતું.

તપાસ બાદ ક્રૂ મેમ્બર્સે તારણ કાઢ્યું કે એક એન્જિનના સહારે લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ચાલુ રાખવી સુરક્ષિત નથી. જો કે, વિમાન પાસે કાઠમંડુ પરત ફરવા અથવા ભૈરહવા એરપોર્ટ પર ઉતરવાનો વિકલ્પ હતો, પરંતુ સુરક્ષાના ધોરણોને પ્રાથમિકતા આપતા ક્રૂએ કોઈ પણ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો અને વિમાનને ભારત તરફ વાળીને કોલકાતામાં ઉતારવાનું નક્કી કર્યું.

કોલકાતા સ્થિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરજન્સી પ્રોટોકોલ વચ્ચે વિમાન બપોરે 3:03 વાગ્યે એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું. ઉતરાણ બાદ વિમાનની ઝીણવટભરી ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે.