હજારો લોકો ઉમટી પડ્યાં, મુંબઇમાં ભારતીય ટીમની વિજય પરેડમાં લોકોની જોરદાર ભીડ, વાનખેડે સ્ટેડિયમ પહોંચી ટીમ

09:18 PM Jul 04, 2024 | gujaratpost

મુંબઇઃ વિજય પરેડ સમાપ્ત થયા બાદ ભારતીય ખેલાડીઓ વાનખેડે સ્ટેડિયમ પહોંચી ગયા છે. સ્ટેડિયમમાં પ્રવેશ કરતી વખતે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર શિવમ દુબે આનંદથી કૂદી પડ્યો અને નાચવા લાગ્યો હતો. તેની સાથે સૂર્યકુમાર યાદવ પણ હાજર હતો. વિજય પરેડ દરમિયાન ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા અને પ્રશંસકો સાથે વિજયની ઉજવણી કરી હતી.

T-20 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમને આવકારવા માટે આયોજિત વિજય સરઘસ દરમિયાન મુંબઈમાં ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઇ હતી.

પરેડ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારે ઉત્સાહમાં જોવા મળ્યાં હતા. કોહલી ખુશીમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. રોહિતે કોહલી સાથે મળીને ચાહકોની સામે ટ્રોફી ઉપાડી હતી, જેના કારણે ત્યાં હાજર લોકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ટીમના અન્ય ખેલાડીઓએ પણ રોહિત અને કોહલીને પ્રોત્સાહિત કર્યાં હતા.

વિજય પરેડ પછી વાનખેડે સ્ટેડિયમ પહોંચતા જ ભારતીય ખેલાડીઓએ ત્યાં હાજર પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય ટીમનું સ્વાગત કરવા મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી મોટી સંખ્યામાં ચાહકો ઉભા રહ્યાં હતા અને ખેલાડીઓને વધાવ્યાં હતા. ભારતીય ખેલાડીઓએ પણ ચાહકોને નિરાશ ન કર્યા અને તેમની સાથે વિશ્વ ચેમ્પિયન બનવાની ઉજવણી કરી હતી. ટીમ હવે વાનખેડે સ્ટેડિયમ પહોંચી ગઈ છે જ્યાં તેમનું સન્માન કરવામાં આવશે.

BCCI વાનખેડે ખાતે વિશ્વ વિજેતા ટીમના ખેલાડીઓનું સન્માન કરશે. BCCI સેક્રેટરી જય શાહે ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. વાનખેડે સ્ટેડિયમમાં પણ ચાહકોની ભારે ભીડ છે. નોંધનિય છે કે ભારતીય ટીમે સાઉસ આફ્રિકાને 7 રને હરાવીને ટ્રોફી પર કબ્જો મેળવ્યો હતો.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526