બજેટ બાદ શેરબજારમાં માતમ, રોકાણકારો રાતા પાણીએ રડ્યાં - Gujarat Post

08:43 PM Feb 01, 2026 | gujaratpost

મુંબઈઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત પોતાનું નવમું બજેટ રજૂ કર્યું હતું. લોકસભામાં તેમનું બજેટ ભાષણ કુલ 85 મીનિટ ચાલ્યું હતું. આ દરમિયાન તેમણે શિક્ષણ, આરોગ્ય, રમતગમતથી લઈને આવકવેરા સુધીની ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. બજેટની જાહેરાતોમાં STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ) વધારવાની જાહેરાત બાદ શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. બપોરે 12:31 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 2174.33 પોઈન્ટ તૂટીને 80,095.45 પર આવી ગયો હતો, નિફ્ટી 748.50 પોઈન્ટ ઘટીને 24,592.15 પર પહોંચી હતી.જો કે, ત્યાર બાદ બજારમાં રિકવરી જોવા મળી હતી. આ લખાય છે ત્યારે 918 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. શેરબજારમાં રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હતા.

બાયબેક ટેક્સમાં ફેરફાર: નાના શેરધારકોની સુરક્ષા માટે બાયબેક ટેક્સના નિયમો બદલાશે. તેનો દુરુપયોગ રોકવા માટે વધારાનો બાયબેક ટેક્સ ચૂકવવો પડશે.

કેપિટલ ગેઈન: તમામ શેરધારકોના બાયબેક પર પૂંજીગત લાભ (Capital Gain) તરીકે ટેક્સ વસૂલવાનો પ્રસ્તાવ છે.

કોર્પોરેટ ટેક્સ: કોર્પોરેટ પ્રમોટર્સ માટે 22 ટકા અને નોન-કોર્પોરેટ પ્રમોટર્સ માટે 30 ટકા ટેક્સ રાખવામાં આવ્યો છે.

STT માં વધારો: વાયદાના સોદા (Futures) પર STT વધારીને 0.05 ટકા કરવામાં આવ્યો છે.

NSE અને BSE ના પરિપત્ર મુજબ, બજેટના મહત્વને ધ્યાનમાં રાખીને 1 ફેબ્રુઆરીએ 'વિશેષ લાઈવ ટ્રેડિંગ સત્ર' યોજવામાં આવ્યું હતું. એક્સચેન્જોનું માનવું છે કે બજેટની મોટી નીતિગત જાહેરાતો પર બજારને તુરંત પ્રતિક્રિયા આપવાની તક મળવી જોઈએ, રવિવાર હોવા છતાં બજાર ચાલુ રાખવામાં આવ્યું હતું. રવિવારે શેરબજારમાં કામકાજ થયું હોય તેવું આઝાદ ભારતના ઇતિહાસમાં આ બીજી વાર બન્યું છે. અગાઉ 28 ફેબ્રુઆરી 1999 ના રોજ, જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા, ત્યારે રવિવારે બજાર ખુલ્યું હતું.