રાજકોટમાં 8-9 જાન્યુઆરી 2026ના રોજ બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે

11:45 AM Nov 16, 2025 | gujaratpost

રાજકોટઃ મહેસાણામાં રિજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી કોન્ફરન્સના આયોજન માટે તૈયાર છે. બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્ર કેન્દ્રિત છે, જેનું આયોજન જાન્યુઆરી 2026માં રાજકોટમાં થશે.

બીજી વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન રાજકોટ શહેરમાં 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે. આ કોન્ફરન્સનો હેતુ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે તેને વ્યાપક બજારો અને ભાગીદારો સાથે જોડવાનો છે. આ કોન્ફરન્સમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. 

આ કાર્યક્રમમાં MSME કોન્ક્લેવ, રિવર્સ બાયર સેલર મીટ (RBSM) અને વિવિધ પ્રદર્શનો અને ટ્રેડ ફેર (વ્યાપાર માટેના મેળાઓ) યોજાશે, જે સહભાગીઓને નેટવર્કિંગ અને પાર્ટનરશિપ માટે ઉત્તમ તકો પ્રદાન કરશે. ઉપરાંત, ડિસેમ્બર 2025માં અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

કચ્છ– સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન આપશે VGRC

કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ તેની ભૌગોલિક વિવિધતા, સાંસ્કૃતિક વારસો અને વિકસતા અર્થતંત્ર માટે જાણીતો છે. કચ્છ-સૌરાષ્ટ્રનું વ્યૂહાત્મક સ્થાન અને કંડલા–મુન્દ્રા જેવા મહત્વના બંદરો લોજિસ્ટિક્સ, વેપાર અને ગ્રીન શિપિંગ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રદેશ પેટ્રોકેમિકલ, સિરામિક અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોમાં અગ્રેસર છે, જેને મજબૂત માળખાગત સુવિધાઓ અને નવીનતા-આધારિત પહેલોનો ટેકો મળ્યો છે. એટલું જ નહીં, અહીંનું આધ્યાત્મિક અને હેરિટેજ ટુરિઝમ આ પ્રદેશની પરંપરાઓને જીવંત રાખે છે, સાથે સાથે વ્યવસાય અને વિકાસને પણ ટેકો આપે છે.

કચ્છ અને સૌરાષ્ટ્રની VGRC માટેના મુખ્ય ક્ષેત્રોમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, માછીમારી, પેટ્રોકેમિકલ્સ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજ, ગ્રીન એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, પ્રવાસન અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સિરામિક, કપાસ અને પ્લાસ્ટિકની નિકાસ, બ્રાસ કોમ્પોનન્ટ્સ, સીફૂડ પ્રોસેસિંગ, કોસ્ટલ ટૂરિઝમ અને અનેક અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ વ્યાવસાયિક તકો ઉપલબ્ધ છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) મૉડેલનું વિસ્તરણ છે. દરેક રિજનલ કોન્ફરન્સનો હેતુ પ્રદેશની ક્ષમતાને ઉજાગર કરવાનો અને તેના વિકાસને વેગ આપવાનો છે. દરેક રિજનલ કોન્ફરન્સ પહેલાં એક દિવસીય જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં સ્થાનિક તકો અને પહેલોને ઉજાગર કરવામાં આવશે.