નવસારીના બિલીમોરાના મેળામાં રાઈડ તૂટી, 5 લોકો ઘાયલ

10:32 AM Aug 18, 2025 | gujaratpost

નવસારીઃ જિલ્લાના બિલીમોરામાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં એક મોટી દુર્ઘટના બની હતી. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારની આગલી રાત્રે, 50 ફૂટ ઊંચી 'ટાવર રાઈડ' અચાનક તૂટી પડતાં લગભગ 10 લોકોમાંથી 5 ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આખો શ્રાવણ મહિનો સોમનાથ મહાદેવ મંદિર પરિષરમાં મેળો ભરાય છે, જ્યાં જુદી જુદી રાઈડ્સ લગાવવામાં આવી છે. ગઈ મોડી રાત્રે 11:45 વાગ્યે, ટાવર રાઈડનો કેબલ અચાનક તૂટી ગયો. રાઈડ ઉપરથી નીચે આવતી હતી ત્યારે જ આ ઘટના બની અને તે ઝડપથી નીચે પટકાઈ હતી. આ સમયે, રાઈડમાં 10થી વધુ લોકો હતા. રાઈડ નીચે પડતાં જ ગભરાટ ફેલાયો હતો.

ઘાયલોની વિગતો

આ દુર્ઘટનામાં બે મહિલાઓ, બે બાળકો અને રાઈડનો ઓપરેટર ગંભીર રીતે ઘાયલ થયા હતા

જશ રાજીવ ટંડેલ (ઉંમર 14 વર્ષ)

દીર્ઘ હેમંત ટંડેલ (ઉંમર 14 વર્ષ)

રોશની વિકાસ પટેલ (ઉંમર 30 વર્ષ)

દિશા રાકેશ પટેલ (ઉંમર 21 વર્ષ)

આ ચારેયને બિલીમોરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે, રાઈડ ઓપરેટર બકીલને કમર અને માથામાં ગંભીર ઈજા થતાં તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ બિલીમોરા ફાયર બ્રિગેડ અને પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.

મેળાની સલામતી પર સવાલો

આ ઘટનાએ મેળામાં મુકાયેલી રાઈડ્સની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા.સામાન્ય રીતે, મેળા માટે જિલ્લા કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લેવી પડે છે, જેમાં નિયમોનું પાલન થવું ફરજિયાત છે. શું રાઈડ્સની યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી કે નહીં, તે અંગે તપાસની માંગ ઉઠી હતી. બિલીમોરા પોલીસે ઘાયલોના નિવેદનો લીધા હતા અને આ અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++