- બનાસકાંઠામાં તલાટીઓની અનિયમિતતા રોકવા ડિજિટલ હથિયાર
- હાજરીને આધારે જ નક્કી થશે માસિક પગાર
- ગેરહાજર રહેનારા કર્મચારીનો પગાર કપાશે
- આખા ગુજરાતમાં આવો નિર્ણય લાગુ કરાય તો નવાઇ નહીં
બનાસકાંઠાઃ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓની અનિયમિત હાજરીને લઈને અનેક ફરિયાદો ઉઠ્યાં બાદ, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ વહીવટી તંત્રને સુધારવા માટે કડક અને ડિજિટલ પગલું ભર્યું છે. નવા નિયમ મુજબ, તલાટીઓએ હવે માત્ર કાગળ પર નહીં પણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાની હાજરીની સાબિતી આપવી પડશે.
દિવસમાં સવારે અને સાંજે ફરજિયાત હાજરી પૂરવાની રહેશે. તલાટીએ પંચાયત કચેરીમાં હાજર રહીને પોતાની સેલ્ફી અપલોડ કરવી પડશે. એપ્લિકેશન દ્વારા તલાટીનું ચોક્કસ લોકેશન ટ્રેક કરવામાં આવશે, જેથી તેઓ કાર્યક્ષેત્રની બહારથી હાજરી ન પૂરી શકે.
નિયમનું પાલન ન કરનાર કર્મચારીઓ માટે આર્થિક દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ તલાટી દિવસમાં માત્ર એક જ વાર હાજરી પૂરશે, તો તેમનો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે. માસિક પગારની ગણતરી એપ્લિકેશનમાં નોંધાયેલી હાજરીના રિપોર્ટને આધારે જ કરવામાં આવશે.
આ કડક વલણનો હેતુ ગ્રામીણ સ્તરે વહીવટી પારદર્શિતા લાવવાનો અને પંચાયતમાં આવતા અરજદારોને પડતી હાલાકીનો અંત લાવવાનો છે. વારંવાર ગેરહાજર રહેતા તલાટીઓ સામે લાલ આંખ કરીને તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ફરજમાં બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.