નવી દિલ્હી: ભારત આજે ગર્વભેર 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના ઐતિહાસિક કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાની ઝાંખી જોવા મળી હતી. આ વર્ષના મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયન હાજર રહ્યાં હતા.
સમારોહની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, ત્યાર બાદ રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ અવસરે રાષ્ટ્રપતિના હસ્તે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને 'અશોક ચક્ર' એનાયત કરી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
90 મિનિટ સુધી ચાલેલા આ સમારોહમાં સુખોઈ અને રાફેલ સહિત 29 વિમાનોએ આકાશમાં કરતબ બતાવ્યા હતા.ગૃહ મંત્રાલયના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનડીઆરએફની ઝાંખીમાં કચ્છ ભૂકંપના 25 વર્ષને રજૂ કરાયા હતા.
વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે, ગુજરાતની ઝાંખીમાં ભીકાજી કામાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમણે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદાર સિંહ રાણા સાથે મળીને વિદેશી ધરતી પર ભારતની આઝાદીનો સંદેશ પહોંચાડ્યો હતો. ઝાંખીની આગળના ભાગમાં કામા તેમના દ્વારા ડિઝાઇન કરાયેલો વંદે માતરમ ધ્વજ પકડેલા જોવા મળ્યા હતા, જેની નીચે બંધારણ માન્ય વિવિધ ભાષાઓમાં વંદે માતરમ લખાયેલું હતું. મધ્ય ભાગમાં રાષ્ટ્રધ્વજના વિકાસના તબક્કાઓ દર્શાવવામાં આવ્યા હતા - 1906ના કોલકાતાના સ્વદેશી આંદોલનથી લઈને 1921માં પિંગલી વેંકૈયા દ્વારા ગાંધીજીને અપાયેલ ડિઝાઇન અને અંતે 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારાયેલ ધર્મચક્ર સાથેના ત્રિરંગા સુધીની સફર રજૂ કરાઈ હતી. ઝાંખીના અંતમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્વદેશી અને ચરખાના પ્રતિક તરીકે સ્થાપિત હતી. ઝવેરચંદ મેઘાણી રચિત 'કસુંબીનો રંગ' ગીત પર લોકકલાકારોની પ્રસ્તુતિએ કર્તવ્ય પથ પર દેશભક્તિનો જોશ ભરી દીધો હતો.