હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ થતા ચોંકાવનારા ખુલાસાની શક્યતા
રાજકુમાર જાટના પિતાએ લગાવ્યાં હતા ગંભીર આરોપ
ગોંડલ: ચકચારભર્યા રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરતા પહેલા ગણેશ ગોંડલની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ નાર્કો ટેસ્ટ બાદ કેસને લગતા અનેક મોટા અને ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.
જોકે, નાર્કો ટેસ્ટનો રિપોર્ટ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા આગામી 15 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે. સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે એક-બે દિવસમાં તેનો રિપોર્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રોટોકોલ આધારિત ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
નાર્કો ટેસ્ટ માટે 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જે આજે ગાંધીનગર FSLમાં પૂર્ણ થયો હતો. FSL દ્વારા રિપોર્ટ આપવામાં આવશે તે બાદ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં, પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી, જેમાં 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીમાં નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવી હતી. હવે આગામી 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવી જશે તેવી આશા છે, જે રિપોર્ટ અને વીડિયોગ્રાફી ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે.