રાજકોટઃ શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા. બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે માત્ર બે ઇંચ વરસાદમાં જ શહેરના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
રાજકોટ શહેરમાં ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ 21 મી.મી., સેન્ટ્રલ ઝોનમાં 12 મી.મી. અને વેસ્ટ ઝોનમાં 8 મી.મી. વરસાદ પડ્યો છે. શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાનામવા રોડ, રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, મવડી, સંત કબીર રોડ, પેડક રોડ, યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, પરબજાર, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી, કોઠારીયા રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
સામાન્ય વરસાદમાં જ રેસકોર્સ રીંગરોડ પાસેના કસ્તુરબા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેથી ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને અહીંથી પસાર થવામાં તકલીફ પડી હતી. ઉપરાંત શહેરના સંત કબીર રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને લીધે ત્યા રહેતા લોકો અને અહીંના વેપારીઓને ક્યાંથી વાહન લઈને પસાર થવામાં મુશ્કેલી પડી હતી. સત્યસાઈ રોડ ઉપર ચંદ્ર પાર્ક, ગુરુદેવ પાર્ક, મારુતિ પાર્ક અને ન્યુ મારુતિ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા હતા અને તેને કારણે અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++