વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 2,22,480ની કિંમતની કુલ 72 બોટલો મળી
પોલીસે રૂ.7,23,480નો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટઃ પોલીસ દ્વારા બુટલેગરોની દારૂની હેરાફેરીનો વધુ એક કિમીયાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસે એક ચોક્કસ બાતમીને આધારે કલરની સીલબંધ ડોલમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કલરની સીલપેક ડોલના સીલ ખોલતા જ તેમાંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલોનો ઢગલો નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસને બાતમી મળી હતી કે, પરશુરામ ચોકડી ખાતેથી વેજાગામ જતા રસ્તે સફેદ કલરની કારમાં એક શખ્સ કલરની ડોલમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બાતમી મુજબની સ્વીફ્ટ કારને રોકી. કારમાંથી પ્રિયાંક મહેતા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. શરૂઆતમાં તો આરોપી જાણે ખરેખર કલર લઈ જતો હોય તેવો ઢોંગ કરી રહ્યો હતો. પોલીસને તેની પાસેથી કલરની સીલપેક ડોલ મળી આવી હતી. પોલીસ દ્વારા આ ડોલ ખોલવામાં આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તેમાંથી કલરને બદલે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 2,22,480ની કિંમતની કુલ 72 બોટલો મળી આવી હતી.
પોલીસે દારૂ, કાર અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7,23,480નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. તેના વિરુદ્ધ અગાઉ પણ દારૂ સહિતના 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે તેણે કોની પાસેથી દારૂ મેળવ્યો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરી હતી.