અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, અમદાવાદમાં સારો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે 1 વાગ્યા બાદ પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદ બંધ થયાના ચાર કલાક બાદ પણ હજી સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી. અખબાર નગર અને સાબરમતી ડીકેબીન અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલના મધુમાલતી આવાસ યોજનામાં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાયેલા છે. વહેલી સવાર સુધી વરસાદી પાણીનો નિકાલ થયો નથી જેના કારણે થઈને લોકોને સવારે નોકરીએ અવર-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગરમાં એક જ વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી હતી. સેક્ટર-27 પ્રાથમિક શાળાની બાજુમાં પસાર થતો રોડ ધોવાઈ ગયો હતો. કોન્ટ્રાકટર દ્વારા આડેધડ ખોદકામ થયું હોવાથી આખી કાર ખાડામાં પડી હતી.
ગાંધીનગરના સેક્ટર-16માં આવેલા અંડર પાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લઇને બે લક્ઝરી બસ ફસાઈ જતા ગાંધીનગર ફાયર વિભાગે 5 જેટલા લોકોને અંડરપાસમાંથી રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. મહાત્મા મંદિર અંડર પાસમાં પાણી ભરાતા કેટલાક ટુ વ્હીલ બંધ પડી ગયા હતા. જેને ધક્કો મારીને લોકોએ બહાર કાઢ્યા હતા. આ અંડર બ્રિજમાં ફોર વ્હીલ પણ બંધ પડી ગઈ હતી.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહીના પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++