રાહુલ ગાંધી શનિવારે ફરીથી આવશે ગુજરાત, આ છે કાર્યક્રમ- Gujarat Post

11:59 AM Jul 24, 2025 | gujaratpost

અમિત ચાવડા હાલમાં જ ફરીથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યાં છે 

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે આવશે. સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત કર્યા બાદ ગુજરાતમાં સંગઠનની રચના પૂર્ણ થઈ ચૂકી છે. રાહુલ ગાંધી 26મી તારીખે એક દિવસની મુલાકાતે ગુજરાત આવશે. રાહુલ આણંદમાં 26થી 28 જુલાઈ સુધી યોજાનારા કોંગ્રેસના કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી રાજનીતિના પાઠ ભણાવશે. ગુજરાતના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે.

આ પહેલાં રાહુલ ગાંધી 7-8 માર્ચ અને ત્યાર બાદ તેઓ 8-9 એપ્રિલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત આવ્યા હતા. તેમજ અધિવેશન બાદ 16 એપ્રિલે મોડાસા આવ્યાં હતા. જ્યાં તેમણે 1200 કાર્યકરોને સંબોધન કર્યું હતું. હવે તેઓ 26થી 28 જુલાઈ, 2025ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આમ તેઓ 4 મહિનામાં ચોથીવાર ગુજરાત આવશે.

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ સતત પ્રયાસો કરી રહ્યાં છે.