સુરતની હોટલમાં દારૂ મહેફિલ પર પોલીસના દરોડા, 6 યુવક-યુવતીઓ ઝડપાયા

09:34 AM Aug 04, 2025 | gujaratpost

દારૂ પાર્ટીનો કોલ મળતા ડુમસ પોલીસ એક્શનમાં આવી

સુરતઃ અમદાવાદ બાદ સુરતમાં પણ દારૂ પાર્ટી ઝડપાઈ હતી. સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યાં હતા. આ રેડ દરમિયાન બે મહિલા આર્ટિસ્ટ સહિત કુલ છ યુવક-યુવતીઓને ઝડપી પાડ્યાં હતા. પોલીસે આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કંટ્રોલ રૂમમાંથી PCR જન-રક્ષક 112 પર કોલ મળતા ડુમસ પોલીસ એક્શનમાં આવી હતી. PSI સાથે સર્વેલન્સ સ્ટાફ અને વુમન પીએસઆઈ ટીમ તાત્કાલિક વિકેન્ડ એડ્રેસ હોટેલ પર પહોંચી હતી. ત્યાં રૂમ નંબર 443માં તપાસ કરતા, કેટલાક યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યાં હતા.

પોલીસે સ્થળ પરથી મીત વ્યાસ, સંકલ્પ પટેલ, સમકિત વિમાવાલા, શ્લોક ભાવેશ દેસાઈ અને બે મહિલા આર્ટિસ્ટને ઝડપી પાડ્યા હતા. આ તમામની અટકાયત કરીને ડુમસ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદના સાણંદના ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટમાં રેડ પાડવામાં આવી હતી. સાણંદ પોલીસે પ્રતિક સાંઘી નામના રિયલ એસ્ટેટ વ્યવસાયીની બર્થડે પાર્ટી પર દરોડા કર્યા હતા. આ પાર્ટીમાં 100 થી વધુ લોકો હાજર હતા, જેમાંથી 13 પુરુષો અને 26 મહિલાઓ સહિત કુલ 39 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યાં હતા.