મોદીની ગુજરાત મુલાકાતનો ક્રાયક્રમ, સોમનાથ મંદિરમાં પૂજા, રાજકોટમાં ટ્રેડ શો, અમદાવાદમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત

03:32 PM Jan 10, 2026 | gujaratpost

રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન તેઓ સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. 

સોમનાથ મંદિરમાં પૂજા અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે, બીજી તરફ, વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું ઉદ્ઘાટન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે.

પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીના રોજ સાંજે સોમનાથ પહોંચશે. સાંજે તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ, રાત્રે લગભગ 8 વાગ્યે, તેઓ ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે. પછી તેઓ સોમનાથ મંદિર સંકુલમાં આયોજિત ડ્રોન શો નીહાળશે. 11 જાન્યુઆરીના રોજ સવારે 9.45 વાગ્યે, પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક યાત્રા છે.

સવારે લગભગ 10:15 વાગ્યે, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. સવારે 11 વાગ્યે, મોદી સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આયોજિત એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે. 

બપોરે લગભગ 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી કોન્ફરન્સમાં ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 2 વાગ્યે, રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે અને એક જાહેર સભાને  સંબોધિત કરશે. 

વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ 11 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે. આ પરિષદ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રના 12 જિલ્લાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ પરિષદનો ઉદ્દેશ પશ્ચિમ ગુજરાતમાં રોકાણ અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવાનો છે. આ પરિષદના મુખ્ય ક્ષેત્રો સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, મત્સ્યઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા, ખનિજો, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટ-અપ્સ, MSME, પ્રવાસન અને સંસ્કૃતિ હશે. આ પરિષદના ભાગીદાર દેશો જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન હશે. 

રાજકોટથી પ્રધાનમંત્રી અમદાવાદ આવશે. લગભગ સાંજે 5:15 વાગ્યે, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધી અમદાવાદ મેટ્રોના ફેઝ 2 ના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ 12 અને 13 જાન્યુઆરી 2026 ના રોજ ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. જર્મન ચાન્સેલર મેર્ઝની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. 

12 જાન્યુઆરીના રોજ, પ્રધાનમંત્રી અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝને મળશે. સવારે 9.30 વાગ્યે, પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. આ પછી, 10 વાગ્યે, બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. 

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે 11.15 વાગ્યે પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો શરૂ થશે. આ બેઠકોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. તાજેતરમાં આ ભાગીદારીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++