કોલંબિયાઃ ભારત બાદ કોલંબિયાથી પણ વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બુધવારે ગુમ થયેલા બીચક્રાફ્ટ 1900 વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 15 લોકોના મોત થયા છે. મૃતકોમાં કોલંબિયાના સંસદ સભ્ય (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ)નો પણ સમાવેશ થાય છે.
કોલંબિયા-વેનેઝુએલા સરહદ નજીક 15 લોકો સાથેનું એક નાનું વિમાન ગુમ થયું હતું. ત્યારબાદ કોલંબિયાના અધિકારીઓએ વિમાનની શોધખોળ શરૂ કરી હતી. કોલંબિયાના ઉડ્ડયન અધિકારીઓ અને એરલાઇન SATENA એ જણાવ્યું કે વિમાન છેલ્લે કેટાટુમ્બો ઉપર જોવા મળ્યું હતું. શોધ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કોલંબિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાને બુધવારે સવારે 11.42 વાગ્યે કુકુટાથી ઉડાન ભરી હતી પરંતુ ઉતરાણના 11 મિનિટ પહેલા જ એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો કાટમાળ એક દૂરના અને પર્વતીય વિસ્તારમાં મળી આવ્યો હતો. ઉબડખાબડ ટેકરીઓના કારણે, બચાવ ટીમને શોધ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
કોલમ્બિયન નાગરિક ઉડ્ડયન એજન્સીના તપાસકર્તાઓ હવે ક્રેશની તપાસ કરી રહ્યા છે અને પ્રારંભિક તારણો પર હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.