નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, પ્રખ્યાત બલૂચ લેખક અને કાર્યકર્તા મીર યાર બલોચે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી છે અને નવી દિલ્હીમાં બલૂચ દૂતાવાસ ખોલવા માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. મીર યાર બલોચ બલોચ લોકોના અધિકારોની હિમાયત માટે જાણીતા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ દ્વારા આ જાહેરાત કરી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રને બલુચિસ્તાનમાં શાંતિ રક્ષા દળો મોકલવા અને પાકિસ્તાનની સેનાને આ પ્રદેશ છોડી દેવા વિનંતી કરી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલી અથડામણોએ ગંભીર વળાંક લીધો છે. 7 મેની રાત્રે, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનના કોઈપણ લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યું નથી. જવાબમાં, પાકિસ્તાને ગુરુવારે ડ્રોન, મિસાઇલોથી ભારતીય લશ્કરી મથક અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને તણાવમાં વધારો કર્યો હતો.
પહેલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે ! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર. પહેલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઓપરેશનની ખાસ વાત એ હતી કે પાકિસ્તાનની કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ભારતે માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા હતા. જે બાદ પાકિસ્તાને ભારતના શહેરનો નિશાન બનાવ્યાં હતા, પરંતુ સેનાએ તેમના ડ્રોન-મિસાઈલ હવામાં જ તોડી પાડ્યા હતા.