- વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભા ઐતિહાસિક નિર્ણયો અને ભારે હોબાળાની સાક્ષી બની
- મનપા હેડ ક્વાર્ટર હવે તાપી ભવન તરીકે ઓળખાશે
- સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામ સામે આવી ગયા
સુરત: મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભા ઐતિહાસિક નિર્ણયો અને ભારે હોબાળાની સાક્ષી બની હતી. એક તરફ મનપાના મુખ્યાલયનું નામ બદલવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ મંજૂર થયો, બીજી તરફ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
સુરત શહેરના સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહિમાને ઉજાગર કરવા માટે મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી. આ નિર્ણય મુજબ મુઘલસરાઈ (મનપા હેડ ક્વાર્ટર) હવે ‘તાપી ભવન’ તરીકે ઓળખાશે. મુગલીસરા વિસ્તાર હવેથી શ્રી તાપી પુરા તરીકે ઓળખાશે. આ દરખાસ્ત મંજૂર થતા જ સભાખંડમાં "સનાતન ધર્મની જય" ના નારા ગુંજી ઉઠ્યા હતા. તાપી નદીને સૂર્યપુત્રી અને સુરતની જીવાદોરી માનવામાં આવે છે, તેથી પૌરાણિક ગ્રંથ 'શ્રી તાપી મહાપુરાણ'ના સંદર્ભ સાથે આ નામકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સાત વર્ષ જૂની માંગણી સંતોષાઈ છે.
સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા. આપના કોર્પોરેટર મહેશ અણઘણનું લેપટોપ તૂટી જતાં મામલો બિચકાયો હતો. 'આપ'નો આક્ષેપ છે કે લેપટોપની ડિસ્પ્લે પર ભાજપની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી હોવાથી ભાજપના સભ્યોએ તેને તોડી નાખ્યું હતું. 'આપ'ના કુંદન કોઠીયા અને ભાજપના ઉર્વશીબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ થઇ હતી.
ભાજપના કોર્પોરેટર વૃજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે કુંદન કોઠીયાએ ભાજપના સભ્યો માટે અભદ્ર અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. સ્થિતિ વધુ વણસે તે પહેલાં સુરક્ષા ગાર્ડ્સે વચ્ચે પડીને બંને પક્ષના કોર્પોરેટરોને છૂટા પાડ્યા હતા અને માંડ-માંડ મામલો થાળે પાડ્યો હતો.