Big News: ઓનલાઇન ગેમિંગ કંપનીના ગોરખધંધાનો પર્દાફાશ, ગાંધીધામ DGGI એ 140 કરોડ રૂપિયાની GST ચોરી ઝડપી લીધી

07:40 PM Aug 30, 2025 | gujaratpost

ગાંધીધામ DGGI ની ટીમ દ્વારા દિલ્હી સહિતના શહેરો અને કંપનીના ડિરેક્ટરોના નિવાસસ્થાને કરાયા હતા દરોડા 

વિદેશમાં રૂપિયાની હેરાફેરી થઇ હોવાનું સામે આવતા તપાસમાં ઇડીની એન્ટ્રીની શક્યતાઓ 

કચ્છઃ કરોડો રૂપિયાની જીએસટી ચોરીનો DGGI એ પર્દાફાશ કર્યો છે.અંદાજે 140 કરોડ રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી છે. ઓનલાઇને ગેમિંગ કંપની મેસર્સ ઝાયગાર્ડ ટેક્નોલોજીસ પ્રા.લિના 6 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતા, જેમાં 36 જેટલા જુદા જુદા બેંક એકાઉન્ટની માહિતી મળી હતી, જેની ઉંડી તપાસ કરતા આ જીએસટી ચોરીનો મોટો ખેલ થઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતુ.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં આ કંપનીના વિદેશમાં પણ કનેક્શન સામે આવ્યાં છે. બોગસ બેંક ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હોવાના પુરાવા હાથ લાગ્યા છે.

આ કંપનીએ જીએસટી રિટર્નમાં ઓનલાઇન મની ગેમિંગ સેવાઓના સપ્લાયની વિગતો છુપાવી હતી અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. જેમાં DGGI એ કંપની પાસે 10.6 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. હજુ કરોડો રૂપિયાની વસૂલાત બાકી છે, એજન્સીએ 36 બેંક ખાતા ફ્રીજ કરી નાખ્યાં છે.

આ સમગ્ર કૌભાંડ આંતરરાષ્ટ્રીય છે, ચીન અને સિંગાપુર જેવા દેશોના શખ્સો પણ આ કૌભાંડમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જેથી આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) ની એન્ટ્રી થઇ શકે છે. આ કેસની હાલમાં ઉંડી તપાસ થઇ રહી છે.