+

ભાજપવાળા રૂ. 5000 આપીને લોકોને સભામાં પ્રશ્નો પૂછવા મોકલે છેઃ ગોપાલ ઈટાલિયાનો દાવો

હાલ AAPનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે રાજ્યમાં વિવિધ સ્થળે આપ દ્વારા સભા યોજવામાં આવી રહી છે રાજકોટઃ શહેરમાં ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાની એક જાહેર સભાનું આયોજન કરવા

હાલ AAPનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે

રાજ્યમાં વિવિધ સ્થળે આપ દ્વારા સભા યોજવામાં આવી રહી છે

રાજકોટઃ શહેરમાં ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા ચાલી રહી હતી ત્યારે એક યુવાને પંજાબમાં AAPની સરકાર હોવા છતાં ત્યાંના ખરાબ રસ્તાઓ વિશે પ્રશ્ન પૂછ્યો. તેના જવાબમાં, ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપના લોકો 5000 રૂપિયા આપીને લોકોને સભામાં પ્રશ્નો પૂછવા મોકલે છે. તેમણે યુવાનને પડકાર ફેંકતા કહ્યું કે, હું તમને 10,000 રૂપિયા આપું છું, હિંમત હોય તો સી.આર. પાટીલ કે હર્ષ સંઘવીને આવા પ્રશ્નો પૂછીને બતાવો.

યુવાને પંજાબના રસ્તાઓ વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે ઇટાલિયાએ તેને વિરોધી જૂથનો ગણાવ્યો અને કહ્યું કે લોકોને ગુજરાતમાં પડેલા ખાડા દેખાતા નથી, પણ 5000 કિલોમીટર દૂર પંજાબના ખાડા દેખાય છે. તેમણે ઉમેર્યું કે, અહીંની સરકારને સવાલ પૂછવાની કોઈ હિંમત નહીં કરે. જો કોઈ હિંમત કરશે તો પોલીસ તેમને દંડા મારીને જેલમાં પૂરી દેશે.

ગોપાલ ઇટાલિયાનો રાજકોટ પ્રવાસ

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજકોટના પૂર્વ વિધાનસભા વિસ્તારમાં આ સભાનું આયોજન કર્યું હતું. વિસાવદરમાં ઇટાલિયાની જીત પછી AAP સૌરાષ્ટ્રમાં વધુ મજબૂત બની રહી છે. ભાજપના જૂથવાદ અને કોંગ્રેસની નિષ્ક્રિયતાનો લાભ લેવા માટે AAP મેદાનમાં ઉતરી ગયું છે. ધારાસભ્ય બન્યા બાદ ઇટાલિયા બે મહિનામાં બીજી વખત રાજકોટ આવ્યાં હતા.

ભાષણ દરમિયાન ઇટાલિયાની વાત

ગોપાલ ઇટાલિયાએ પોતાનું ભાષણ શરૂ કરતાં જ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં લોકોનો ઉત્સાહ જોઈને હું ખુશ છું. તેમણે 2020માં AAPમાં જોડાયા ત્યારની વાત યાદ કરતાં કહ્યું કે ઘણા વડીલોએ તેમને કહ્યું હતું કે રાજકારણમાં જવું હોય તો ભાજપ કે કોંગ્રેસમાં જવાય, પણ સામા પાણીએ ન તરાય.

તેના જવાબમાં ઇટાલિયાએ વડીલોને કહ્યું હતું કે, વહેતા પાણીમાં તો શબ તરે, જીવતા હોય તે સામા પાણીએ ચાલીને જાય. અમે આ રસ્તે ચાલવાનું શરૂ કર્યું ત્યારે અમને વિશ્વાસ હતો કે અમારો રસ્તો, અમારો વિચાર અને અમારી દાનત સાચી છે. એટલે એક દિવસ ભગવાન અમારી સામે જોશે જ. હવે આમ આદમી પાર્ટી મજબૂતી તરફ આગળ વધી રહી છે.

facebook twitter