ભરૂચઃ જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ONGCના ઓઈલ સર્વે માટે જઈ રહેલી એક બોટ દરિયામાં પલટી મારી ગઈ હતી. આ ઘટનાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યાં છે. ભરતીનું પાણી અચાનક વધી જવાને કારણે માત્ર પાંચ જ સેકન્ડમાં આ બોટ ઊંધી વળી ગઈ હતી, જેના પરિણામે બોટ માલિકનું મોત થયું છે, જ્યારે એક કામદાર હજુ પણ લાપતા છે. જોકે,અન્ય 23 કામદારોને બચાવી લેવામાં આવ્યાં છે.
મળતી માહિતી મુજબ, જંબુસરના આસરસા ગામે શનિવારના રોજ એક નાવિકની બોટમાં 25 જેટલા શ્રમિકો અને સ્થાનિકો સવાર થયા હતા, જેમને ONGCના ઓઈલ સર્વે માટે કેવી રીતે કામગીરી કરવી તે શીખવવાનું કામ શરૂ થવાનું હતું.
બોટના માલિક રોહિતભાઈએ બોટને ખાડીના કિનારે ઊભી રાખી હતી. શ્રમિકો એક તરફ ભેગા થઇને લાઈફ જેકેટ પહેરીને બોટમાં સવાર થઈ રહ્યા હતા, તે જ સમયે અચાનક દરિયામાં ભરતી આવી હતી. પાણીના જોરદાર પ્રવાહના કારણે બોડી એક તરફ નમી ગઈ હતી અને તુરંત જ પલટી મારી ગઈ હતી.
બોટ પલટી જતાં તેના માલિક રોહિતભાઈ વચ્ચે દબાઈ જવાથી મોતને ભેટ્યાં હતા. અન્ય શ્રમિકો કિનારા પર હોવાથી તેઓ બચી ગયા હતા. જોકે, બોટમાં સવાર એક શ્રમજીવીએ લાઈફ જેકેટ ન પહેર્યું હોવાથી તે ખાડીના પાણીમાં ખેંચાઈ ગયો હતો અને લાપતા બન્યો છે.
આસરસા ગામ જંબુસરથી 35 કિમી દૂર છે અને અહીંથી અરબી સમુદ્રને મળતી ખાડી પસાર થાય છે, જ્યાં આ ઘટના બની હતી. પોલીસ અને સ્થાનિક તંત્રએ લાપતા કામદારની શોધખોળ માટેના પ્રયાસો તેજ કર્યા છે.