ઘર્ષણમાં ત્રણ પોલીસ કર્મી ઘાયલ થયા
સાબર ડેરી સામે પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી હતી
હિંમતનગરઃ સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ન ચૂકવાતા મામલો બગડ્યો હતો અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટીમ આવી જતાં પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી. પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયરગેસનો મારો ચલાવાયો હતો.
આ દરમિયાન ઇડરના ઝીંઝવા ગામનો 42 વર્ષિય યુવક સાબર ડેરી ખાતે આવ્યાં બાદ ટીયરગેસનો શેલ પગ આગળ પડતા બેભાન થઇ ગય હતો, તેને હોસ્પિટલ લઇ જવાયા બાદ ઘરે લઇ જવાયો હતો, જ્યાં તેનું મોત થયું હતુ. તેના મોત બાદ પરિવાર આક્રોશમાં છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે.
બનાવ અંગે મૃતકના ભાઈ દેવેન્દ્રભાઇ પ્રભુભાઇ ચૌધરીએ જણાવ્યું કે તેમના નાના ભાઇ અશોકભાઇ ચૌધરી (ઉ.વ.42) સવારે દૂધના ભાવફેર મામલે બધા સાથે હિંમતનગર સાબરડેરીમાં ગયા હતા અને બપોરે સ્થિતિ વણસ્યા બાદ પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા તે પૈકી એક અશોકભાઇના પગ આગળ પડ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થયા બાદ ચક્કર આવતાં નજીકની હોટલમાં લઇ જઇ મોઢું ધોવડાવી જ્યુસ પીવડાવી બેસાડયા હતા. જેથી થોડો આરામ થતાં ઘેર જવા નીકળ્યા હતા. ચાર સાડા ચાર વાગ્યે કાનપુર પહોંચતાં ફરીથી સમસ્યા થતાં સ્થાનિક તબીબને બતાવતાં તેમણે બીપી લો થઇ ગયાનું અને ઇડર લઇ જવાનું કહેતા ઇડરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ તેનું મોત થઇ ગયું હતુ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++