કડીના DILR કચેરીના સર્વેયરને જોઇતી હતી 1.90 લાખ રૂપિયાની લાંચ અને પછી

10:42 AM Jun 26, 2026 | gujaratpost

જમીન માપણીની શીટો સબમિટ કરવા માટે કુલ રૂા.1,90,000 ની લાંચ માંગી હતી

ગાંધીનગર એ.સી.બી.એ ગોઠવ્યું સફળ છટકું

મહેસાણા: જમીન માપણી અને હિસ્સાદુરસ્તીના કામ માટે અરજદારો પાસેથી લાંચ માંગતા સરકારી બાબુઓ અને વચેટીયાઓ સામે એ.સી.બી.એ લાલ આંખ કરી છે. મહેસાણાની ડી.આઈ.એલ.આર. (DILR) કચેરીમાં નોકરી કરતા લાયસન્સી સર્વેયરને ગાંધીનગર એ.સી.બી.ની ટીમે રૂ. 70,000 ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યાં છે.

ફરિયાદીની જમીન મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સુરજ ગામે આવેલી છે. સર્વે નંબર - 210 વાળી આ જમીન માપણી કરાવવાની હોવાથી તેમણે ડી.આઈ.એલ.આર. કચેરી, મહેસાણા ખાતે અરજી કરી હતી. આ અરજીને આધારે કચેરીના લાયસન્સી સર્વેયર આરોપી આશિષ કુમાર ભીખાભાઇ પરમાર (ઉં.વ. 27) એ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. જમીનની માપણી કરી તેની શીટો સબમિટ કરી આપવાના અવેજ પેટે આરોપીએ પ્રથમ કુલ રૂ. 1,90,000 ની મોટી લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ પ્રથમ હપ્તા પેટે રૂ. 70,000 આપવા માટે ફરિયાદીને જણાવ્યું હતું.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે ગાંધીનગર એ.સી.બી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એ.સી.બી.ની ટીમે મહેસાણા ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ, મહેસાણા સેશન્સ કોર્ટના ગેટ નં- 4 પાસે આવેલા જય અંબે નાસ્તા હાઉસ ખાતે આરોપી આશિષ કુમાર પરમારે ફરિયાદીને લાંચની રકમ સાથે બોલાવ્યો હતો. અહીં આરોપીએ ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 70,000 ની રોકડ રકમ સ્વીકારી હતી.

લાંચની રકમ સ્વીકારતાની સાથે જ નજીકમાં વોચમાં ઉભેલી એ.સી.બી.ની ટીમે ત્રાટકીને આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો અને લાંચની સ્વીકારેલી પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી હતી. આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરતા તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

કામગીરી કરનાર અધિકારીઓ

ટ્રેપીંગ અધિકારી:  ડી.એ.ચૌધરી (પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ)

સુપરવિઝન અધિકારી: એ.કે.પરમાર (મદદનીશ નિયામક, એ.સી.બી., ગાંધીનગર એકમ)

ઇન્ચાર્જ અધિકારી:  હરેશ મેવાડા (નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ)