જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ

11:41 AM Dec 07, 2025 | gujaratpost

જામનગર: જે.સી.સી. હોસ્પિટલના કૌભાંડ બાદ હવે શહેરની વધુ એક પ્રતિષ્ઠિત હોસ્પિટલ, ઓશવાળ આયુષ હોસ્પિટલમાં મોટું કાર્ડિયાક કૌભાંડ બહાર આવતા આરોગ્ય જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓશવાળ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલા દર્દીઓને ખરેખર જરૂરિયાત ન હોવા છતાં તેમની સારવાર કરવામાં આવી હતી અને સ્ટેન્ટ બેસાડવામાં આવ્યાં હતા. આ રીતે હોસ્પિટલે ખોટી સારવાર બતાવીને સરકારી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) માંથી ₹42 લાખ મંજૂર કરાવી લીધા હોવાનું મોટું ભોપાળું બહાર આવ્યું હતું

આ સમગ્ર કૌભાંડ સામે આવતાં આરોગ્ય કમિશ્નર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યાં હતા. જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂપિયા 1 કરોડ 26 લાખ 77 હજારનો જંગી દંડ ફટકારવામાં આવ્યો હતો. ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને તાત્કાલિક અસરથી PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

હોસ્પિટલના ડો. શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવતાં જામનગરના તબીબી આલમમાં ગરમાવો આવી ગયો છે. રાજ્ય સરકારે ઈ-મેલ મારફતે આ અંગેની જાણકારી હોસ્પિટલને આપી દીધી છે અને તાત્કાલિક આ નિર્ણયનો અમલ શરૂ કરી દેવાયો હતો.

જામનગરમાં અગાઉ જેસીસી હોસ્પિટલનું કૌભાંડ હજુ તપાસ હેઠળ છે ત્યાં જ શહેરની બીજી મોટી હોસ્પિટલનું આ ભોપાળું છતું થતાં સમગ્ર રાજ્યભરમાં ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે અને દર્દીઓ તથા તેમના પરિવારોમાં ચિંતાનો માહોલ છે.