+

રાજકોટમાં લોહીયાળ બન્યો કૌટુંબિક ઝઘડો, પત્ની અને બે પુત્રોએ મળીને પિતાને છરીના ઘા ઝીંકતા મોત

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ભક્તિનગર પોલીસે ત્રણેયની ધરપકડ કરી રાજકોટ: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસે ઉગ્ર

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત

ભક્તિનગર પોલીસે ત્રણેયની ધરપકડ કરી

રાજકોટ: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પત્ની અને તેના બે પુત્રોએ મળીને ઘરના મોભીની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકનું નામ નરેશભાઈ નટુભાઈ વ્યાસ (ઉંમર આશરે 40 વર્ષ) હોવાનું સામે આવ્યું છે.

ગુરુવારે રાત્રે નરેશભાઈ વ્યાસનો તેમની પત્ની અને બે પુત્રો સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઘરકંકાસ એટલો વધી ગયો કે આવેશમાં આવીને પરિવારના સભ્યોએ નરેશભાઈ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં નરેશભાઈને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

હત્યાના બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તેમજ ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ લાંબા સમયથી ચાલતો કૌટુંબિક ઝઘડો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પત્ની અને બંને પુત્રોની ધરપકડ કરી છે.

જો કે હત્યામાં છરીનો ઘા પત્નીએ માર્યો કે પુત્રોએ તે અંગેની મુખ્ય ભૂમિકા હજુ સ્પષ્ટ થઈ નથી. ભક્તિનગર પોલીસે ત્રણેયની આકરી પૂછપરછ શરૂ કરી છે, જેના આધારે ટૂંક સમયમાં જ હત્યા પાછળની સાચી હકીકત બહાર આવશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter